ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ ગામે કાર લઇને બકરા ચોરવા આવેલા ચોરો પૈકી એકને પશુપાલકે પકડીને પોલીસને હવાલે કર્યો હતો, જ્યારે તેની સાથેના અન્ય બે ઇસમો નાસી છુટવામાં સફળ રહ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે ત્રણ ઇસમો કાર લઇને બકરા ચોરવા આવ્યા હતા. મુલદ ગામેથી ત્રણ બકરીઓ ઉઠાવીને લઈ જતા હતા ત્યારે જાગી ગયેલા પશુપાલકે એક ચોરને પકડી લીધો હતો અને અન્ય બે ભાગી છુટ્યા હતા. મુલદ ગામના સુકાભાઈ લલ્લુભાઈ વસાવા પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે તેઓ ઘરની અડાળીમાં સુતા હતા તે દરમિયાન વહેલી સવારે ત્રણ ઇસમો કાર લઇને બકરા ચોરવા આવ્યા હતા. સુકાભાઈ જાગી જતા તેણે બકરા ચોરી જતા એક ઇસમને બાથ મારી ઝડપી લીધો હતો. તેની સાથે આવેલા બીજા બે ઇસમો ૩ બકરીઓ લઇને કારમાં ભાગી ગયા હતા. ઝડપાયેલ બકરા ચોરને પશુપાલકે બાંધી દીધો હતો અને ઝઘડિયા પોલીસને જાણ કરી હતી. બાદમાં સુકાભાઈએ ઝઘડિયા પોલીસ મથકમાં પિન્ટુભાઈ શનાભાઈ તળપદા, રોનક સુરેશભાઈ તળપદા અજય ઉર્ફે બોબો તળપદા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ