ભરૂચ જિલ્લાના ઝધડિયા ખાતે જીઆઈડીસીમાં આવેલ યુપીએલ કંપનીમાં ભાવનગરથી કોલસો ભરીને આવેલ બે ટ્રક ચાલકો વચ્ચે કોલસો ખાલી કરવા બાબતે ઝગડો થતાં એકએ બીજાને ચપ્પુ મારતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ઇજાગ્રસ્તને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મળતી વિગતો મુજબ ભાવનગરના રાજ ચામુંડા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અલ્પેશભાઈ પરસોત્તમભાઈ સરવૈયા રહે. વલભીપુર જી. ભાવનગર ગઇકાલે ટ્રાન્સપોર્ટની ટ્રકમાં કોલસો ભરી ઝઘડીયા જીઆઇડીસીની યુપીએલ કંપનીમાં ખાલી કરવા માટે આવ્યા હતા. તેની સાથે ભાવનગરની અન્ય ઘણી ટ્રકો કોલસો ભરીને આવી હતી અને કંપનીમાં ખાલી કરવા માટે લાઇનમાં પાર્કિંગમાં ઊભા હતા. ભાવનગરથી કોલસો ભરીને આવેલ અન્ય ટ્રકો પૈકીના હરેશભાઈ ધીરૂભાઇ વેગળ રહે. હાદા નગર વેલનાથ ચોક ભાવનગર નાઓ અલ્પેશ તેની ટ્રકમાં સૂતો હતો તે દરમિયાન તેની કેબિનમાં ચઢી અલ્પેશને કહ્યુ કે ટ્રક કંપની પર લઈ જાવ જેથી અલ્પેશે જણાવેલ કે હજુ નંબર આવેલ નથી. જેથી હરેશ ધીરૂભાઇ વેગળ અલ્પેશ સાથે ગાળાગાળી કરવા લાગેલ અલ્પેશે ગાળાગાળી કરવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઇ જઇ તેની સાથે બાથંબાથી કરવા માંડ્યો હતો. જેથી અલ્પેશ કેબિનમાંથી નીચે ઉતર્યો હતો તે દરમિયાન હરેશ વેગળે તેના હાથમાંના ચપ્પુ વડે અલ્પેશના ડાબા હાથ પર ખભા પાસે કાન પાસે તથા બોચીના ભાગે ચપ્પુના ઘા કરતા ચામડી ફાટી જતા લોહી નીકળવા લાગેલ. જેથી અન્ય ટ્રક વાળાઓએ અલ્પેશને વધુ મારથી બચાવ્યો હતો. રીક્ષા દ્વારા અલ્પેશને અંકલેશ્વર ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. અલ્પેશ સરવૈયાએ હરેશ ધીરૂભાઈ વેગળ રહે. હાદા નગર વેલનાથ ચોક ભાવનગરના વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ