ઝઘડીયા તાલુકામાંથી પસાર થતાં ધોરીમાર્ગ પર અવારનવાર નાનામોટા અકસ્માત થાય છે.ઘણા અકસ્માતો જીવલેણ પણ બન્યા છે. આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મહત્વનો માર્ગ મનાય છે. માર્ગ પર થયેલ અન્ય એક અકસ્માતમાં દાહોદ જિલ્લાના રહિશ અને નવસારી ખાતે કડીયા કામ કરી રોજી મેળવતા બે યુવાનોને ગઇકાલે ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામ નજીક અકસ્માત થતાં બંને ઘવાયા હતા. તે પૈકી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ દાહોદ જિલ્લાના તણાંસિયા અને બારેજડી ગામના બે યુવકો નવસારી ખાતે કડિયા કામ કરી તેમનું ગુજરાત ચલાવે છે. તા. ૮ મીના રોજ આ કીર્તનભાઈ નારસિંગભાઇ ભાભોર તથા રાકેશભાઈ રેવાભાઇ ભુરીયા નામના બંને ઇસમો નવસારીથી તેમની બાઇક લઇને વાયા ઝઘડીયા થઈ દાહોદ જવા માટે નીકળ્યા હતા. અંકલેશ્વર રાજપીપલાના આ ધોરીમાર્ગ પર રાણીપુરા ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે એક હાઈવા ટ્રકના ચાલકે તેમની બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને ઇસમો બાઇક સહિત ફંગોળાયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બંનેને એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. સારવાર દરમિયાન બાઈક ચાલક રાકેશભાઈ રેવાભાઇ ભુરીયાનું મોત નીપજ્યું હતું. જ્યારે કીર્તનભાઈ નરસિંહભાઈ ભાભોરને પણ શરીર પર ગંભીર ઈજાઓ થઇ હોવાથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયો હતો. આ બાબતે કીર્તન ભાઈ નારસિંહભાઈ ભાભોરે ઝઘડિયા પોલીસ મથકમાં હાઇવા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.