ઝઘડીયા તાલુકાના લીંભેટ ગામે પીતરાઇ ભાઇએ જમવાનું માંગતા રસોઇ બનતી હોવાથી થોડીવાર પછી આવવાનું કહેતા ઉશ્કેરાયેલા પીતરાઇ ભાઇએ ભાઇ ભાભી અને ભત્રીજાને લાકડીના સપાટા મારી ઇજા પહોંચાડી હતી. મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના લીંભેટ ગામે રહેતા અર્જુન ગંભીરભાઈ વસાવા ધંધો તેમજ મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે અર્જુનનો પીતરાઈભાઈ મહેશ તેના ઘેર આવ્યો હતો અને જમવાનું માંગતો હતો. જેથી અર્જુનભાઈએ તેને જણાવેલ કે તારી ભાભી જમવાનું બનાવે છે તેથી થોડીવાર પછી આવજે. બાદમાં મહેશ અર્જુનના ઘરના આંગણામાં ઉભો રહી મા બેન સમાણી ગાળો બોલતો હતો, જેથી અર્જુને ગાળો બોલવાની ના પાડી હતી. તેથી મહેશે એકદમ ઉશ્કેરાઈ જઈને તેના ઘરમાંથી લાકડીનો સપાટો લઇ આવીને અર્જુનને માથાના ભાગે કાન પાસે સપાટો મારી નીચે પાડી દીધો હતો. જેથી તેની પત્ની તેને છોડાવવા આવતા તેને પણ તેના દિયર મહેશે માથાના ભાગે કાન પાસે સપાટો મારી દેતા લોહી નીકળ્યું હતું. ત્યારબાદ અર્જુનનો છોકરો કાર્તિક પણ તેના મા-બાપને છોડાવતાં મહેશે કાર્તિકને પણ ખભાના ભાગે સપાટો મારી દીધો હતો. ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વાલીયા સરકારી દવાખાને લઈ ગયા હતા. આ ઘટના બાબતે અર્જુન ગંભીરભાઈ વસાવાએ તેના પિતરાઈ ભાઈ મહેશ રમેશ વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ