ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે રહેતા ભદ્રેશભાઈ કાલીદાસભાઈ વસાવા પશુપાલન તથા મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે તેમની બકરીઓ તલોદરાથી કડવા તલાવ ગામ જવાના રસ્તા પર આવેલ શેરડીના ખેતરમાં ચરતી હતી તે દરમિયાન અચાનક ધસી આવેલા એક દીપડાએ ચરી રહેલી ૩ બકરીઓ પર હુમલો કરી દીધો હતો. દિપડાએ એક પછી એક ત્રણે બકરીઓનું મારણ કર્યું હતું. પશુપાલકે તેની બકરીઓનું મારણ થતા ઝઘડિયા રેંજ ફોરેસ્ટ ઓફિસને આ બાબતની જાણ કરી હતી. મળતી વિગતો મુજબ વનવિભાગ દ્વારા દીપડાને ઝડપી લેવા કરવા પાંજરુ મૂકવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલા પૂરના કારણે નર્મદા કિનારે કાયમી વસવાટ કરતાં દીપડાઓ હવે ઉપરવાસમાં આવી રહ્યા છે ત્યારે પશુઓનું મારણ કરવાની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દિપડાએ બકરીઓ પર હુમલો કરતા સીમમાં જતા એકલદોકલ માણસો પર પણ દિપડો હુમલો કરી શકે એવી દહેશતની સાથે જનતા ચિંતિત બની છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ