ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ઘર નજીક પાર્ક કરેલ મોટરસાયકલની રાત્રી દરમિયાન ચોરી થતાં રાજપારડી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજપારડી પોલીસમાં લખાવવામાં આવેલ ફરિયાદ મુજબ અત્રેની પટેલ નગર સોસાયટીમાં રહેતા પતરા બારી બારણાના વેપારી અબ્દુલહક્ક અબ્દુલગફુર શેખ તા.૫ મી ના રોજ દુકાન બંધ કરીને સાંજનાં સાડા સાતના અરસામાં ઘેર આવ્યા હતા. તેમના ઘરની બાજુમાં રહેતા સૈયદહુશૈન મકબુલહુશૈન સૈયદને કોઇ કામ માટે બહાર જવાનું હોવાથી અબ્દુલહક્ક ભાઇએ તેમની મોટરસાયકલ લઇને જવા જણાવ્યુ હતું. તેથી સૈયદહુશૈન સૈયદે તેમના જરૂરી અસલ ડોક્યુમેન્ટસ મોટરસાયકલની બેગમાં મુક્યા હતા. મોટરસાયકલ માલિક અબ્દુલહક્ક શેખ રાતના અગિયારેક વાગ્યે સુઇ ગયા હતા. તેઓ સવારે ચારેક વાગ્યે જાગ્યા ત્યારે ઘર પાસે પાર્ક કરેલ મોટરસાયકલ જણાઇ નહિ. તેથી તેમણે સૈયદહુશૈન ભાઇને જગાડીને પુછતા તેઓ મોટરસાયકલ લઇને ગયા ન હતા એમ જાણવા મળ્યુ. આજુબાજુમાં શોધવા છતાં મોટરસાયકલની કોઇ ભાળ મળી ન હતી.તેથી કોઇ અજાણ્યો ચોર ડુપ્લિકેટ ચાવીથી કે અન્ય કોઇ રીતે મોટરસાયકલ ચોરીને લઇ ગયો હોવાની ખાતરી થઇ હતી. સૈયદહુશૈન સૈયદે મોટરસાયકલની બેગમાં મુકેલા તેમના ઘરના અસલ જરૂરી ડોક્યુમેન્ટસ પણ મોટરસાયકલ સાથે ઉઠાંતરી થઇ ગયા હતા. અંદાજે રૂ.૩૦૦૦૦ ની કિંમતની મોટરસાયકલ અને તેની બેગમાં મુકેલા જરૂરી અસલ ડોક્યુમેન્ટસ ચોરાતા અબ્દુલહક્ક અબ્દુલગફુર શેખ રહે.રાજપારડી તા.ઝઘડીયા જિ.ભરુચનાએ આ અંગે રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.