ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઇને નર્મદા ડેમમાં પાણીનો ભરાવો થતાં નર્મદા નદીમાં લાખો ક્યુસેક પાણી છોડાતા પુરની પરિસ્થિતિ સર્જાવા પામી હતી. ઝઘડીયા તાલુકાના કાંઠા વિસ્તારના ઓરપટાર, જુની તરસાલી, જુના ટોઠિદરા, જુના પોરા જેવા કાંઠાના ગામોમાં પુરના પાણી ભરાતા આ ગામોના પુર અસરગ્રસ્ત પરિવારોનું સ્થળાંતર કરાવાયુ હતુ. બાદમાં વરસાદે વિરામ લેતા સરદાર સરોવરમાં પાણીની આવક ઘટતા નદીમાં છોડાતા પાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.તેને લઇને નર્મદામાં પુરના પાણી ઓસરતા હવે આ પુર અસરગ્રસ્ત પરિવારો પોતાના ગામોએ પાછા ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે કાંઠા વિસ્તારના ગામો પુર ગ્રસ્ત બનતા આ ગામોના અસરગ્રસ્ત પરિવારોને ભાલોદ, નવી તરસાલી, નવા ટોઠિદરા અને અવિધા ગામોએ ઉભા કરાયેલા રાહત કેમ્પોમાં આશરો આપવામાં આવ્યો હતો. કાંઠાના ગામોના પુરગ્રસ્ત માણસો અને પાલતુ પશુઓનું સ્થળાંતર કરાવાયુ હતુ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ