ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસીમાં એક બાઈક ચાલકે બ્રેક મારતા સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગઇ હતી. જેમાં બાઇક સવારો હવામાં ફંગોળાઇ જતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી જે પૈકી એકનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી વિગતો મુજબ નેત્રંગના ગંભીરપુરા નિશાળ ફળિયામાં રહેતા રોહિત ચંપકભાઈ વસાવા તેમની મોટરસાઇકલ લઈ અને રતિલાલ ભાઈ બાબુભાઈ વસાવા તથા શનીયાભાઇ ચંદુભાઇ વસાવાને બેસાડી ઝઘડીયા જીઆઇડીસીથી ગંભીરપુરા જવા માટે નીકળ્યા હતા. દરમિયાન ઝઘડિયા જીઆઇડીસીમાંથી પસાર થતી વખતે ગુજરાત ઓર્ગેનિક કંપની આગળ આવેલ ચોકડી ઉપર સામેથી એક ટ્રેક્ટર ચાર રસ્તા તરફ વળતા બાઈક ચાલક રોહિતભાઈએ અચાનક બ્રેક મારી દીધી હતી, જેથી બાઈકના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ત્રણેય બાઇક સવારો હવામાં ફંગોળાયા હતા. ત્રણેયને ઇજાઓ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા, જયાં શનીયાભાઇ ચંદુભાઇ વસાવાનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. અકસ્માત બાદ બાઇક ચાલક રોહીત ચંપકભાઈ વસાવાએ ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે ફરયાદીને આરોપી તરીકે બતાવ્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.