ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરખરદા ગામે રહેતા તુલસીભાઈ મૂળજીભાઈ વસાવા ખેતી તથા મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. ૨૨.૮.૨૦ ના રોજ તુલસીભાઈ કદવાલી વગામાં આવેલ તેમના ખેતરમાં વાવેતર કરેલ અડદ તથા તુવેર જોવા માટે ગયેલા. તુલસીભાઈના ખેતરમાં તેમના જ ગામનો જનક જામલિયાભાઈ વસાવા નામનો ઇસમ ખેતરમાં ઢોર ચરાવતો હતો. ઢોર ચરવાના કારણે પાકને નુકસાન થતું હોઇ તે બાબતે ખેતર માલિક તુલસીભાઈએ જનકને જણાવ્યું હતું. તે દરમિયાન તેની સાથે બોલાચાલી થતા તુલસીભાઈએ જનકને લાકડીના સપાટા બરડાના ભાગે તથા પગના ભાગે મારી દીધા હતા, ત્યારબાદ જનક ત્યાંથી ઢોર લઈ ઘરે જતો રહ્યો હતો. આ બાબતની રીસ રાખી તે લોકો તુલસીભાઈને મારવા આવ્યા હતા. તે દરમિયાન તુલસીભાઈ ઘરેથી જતા રહ્યા હતા. તુલસીભાઈએ ખેતરમાં ભેલાણ બાબતે થયેલા ઝઘડાના સમાધાન માટે તેમના સમાજના આગેવાનોને વાત કરી સમાધાનની ગોઠવણ કરેલ હતી પરંતુ તે બાબતનું સમાધાન થયેલ નહીં. ગત તા. ૨૪ મી ના રોજ તુલસીભાઈ તેમના ભત્રીજા તથા જમાઇ સાથે તેમના ઘરે આવવા માટે નીકળ્યા હતા તે દરમિયાન ગામની બાલવાડી પાસેથી પસાર થતા હતા ત્યારે તેમના ગામનો સુભાષ વસાવા હાથમાં કુહાડી લઈ આવી તુલસીભાઈને મારી દીધી હતી. તેની સાથેના રામદાસ લલ્લુ વસાવાએ એના હાથમાંની લાકડીનો સપાટો પગમાં તેમજ માથામાં મારી તુલસીભાઇને ઈજાગ્રસ્ત કર્યા હતા. તે દરમિયાન મારમાંથી બચવા તુલસીભાઈ નજીકના ઘરમાં ઘૂસી ગયા હતા અને તુલસીભાઈના જમાઈ રોહિતભાઈએ તથા રામજીભાઈએ વચ્ચે પડી વધુ મારમાંથી તેમને બચાવ્યા હતા. ત્યારબાદ તેઓનું ઉપરાણું લઈ જામલ્યાભાઈ મણિલાલ તથા સોમલાલ વસાવા પણ તુલસીને મારવા માટે દોડી આવેલા અને બુમાબુમ થતાં ફળિયાના લોકો ભેગા થઇ ગયા હતા. જે બાબતે તુલસીભાઈએ (૧) સુભાષ બરસીંગભાઇ વસાવા (૨) રામદાસ લલ્લુભાઈ વસાવા (૩) જામલ્યાભાઈ મણિલાલ વસાવા (૪) સોમલાલ મણિલાલ વસાવા (૫) કિરણ સોમલાલ વસાવા તમામ રહેવાસી ઉમરખરદા તા. ઝઘડિયા વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ