સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અંકલેશ્વર રાજપીપલા વચ્ચેના ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી લાંબા સમયથી ખોરંભે પડી છે. ઉલ્લેખનીય છે કે કેવડીયા ખાતે નિર્માણ પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાઓમાં આ ધોરીમાર્ગ મહત્વના સ્થાને રહેલો છે. ઉપરાંત રાજપીપલાની આગળ બોડેલી છોટાઉદેપુર તરફના માર્ગ સાથે પણ આ ધોરીમાર્ગ જોડાય છે. આ માર્ગ ચોવીસ કલાક વાહનોની રફતારથી ધબકતો રહે છે. આ ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી લાંબા સમયથી ખોરંભે પડી છે. કેટલાક સ્થળોએ કામગીરી થઇ હતી અને કેટલાક સ્થળોએ બાકી છે. પરંતુ લાંબા સમયથી કામ બંધ રહેતા જયાં માર્ગ બન્યો હતો ત્યાં પણ મોટા મોટા ગાબડા પડ્યા છે. વાહન ચાલકોને ભારે યાતના પડી રહી છે. બિસ્માર માર્ગના કારણે ઘણા ઠેકાણે વાહનોએ રોન્ગ સાઈડે જવાની નોબત આવે છે.ઝઘડીયા તાલુકામાંથી પસાર થતા આ માર્ગ પર ઝઘડીયા રાજપારડી તેમજ ઉમલ્લા નજીક માર્ગ તેના પર પડેલા ગાબડાઓના કારણે મોટી યાતનાનું કારણ બન્યો છે.ચોમાસાની શરૂઆતે રાજપારડી ચોકડી નજીક પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાવાના કારણે વાહનો ફસાવાના બનવો બનતા હોબાળો થયો હતો, ત્યારે તંત્ર સફાળુ જાગ્યુ હતુ અને કેટલાક સ્થળોએ મેટલ કપચીના ઢગલા કર્યા હતા.પરંતુ નામ માત્રની આ કામગીરી હજી જૈસે થે જેવી બની રહી છે.મેટલોના ઢગલા કર્યે પણ લાંબો સમય વીતી ગયો છતાં કામગીરીનો અભાવ જણાય છે.આના કારણે મેટલો રોડ પર વેર વિખેર થતાં વાહનચાલકો માટે વધારાની સમસ્યાનું નિર્માણ થયુ છે.ના છુટકે વાહનોએ રોંગ સાઇડે જવાની મજબુરી ઉભી થાય છે. ત્યારે રોંગ સાઇડે દોડતા વાહનોથી અકસ્માત થાય તો કોને જવાબદાર ગણવા? લોકડાઉન સમયે તો વાહનોના અભાવે જાણે ચાલ્યુ, પરંતુ હવે લોકડાઉન તબક્કાવાર ખુલી રહ્યુ છે ત્યારે દોડતા વાહનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થવાની સંભાવના રહેલી છે. ત્યારે તંત્ર આ બાબતે ઘટતું કરવા ક્યારે આગળ આવશે? એવા સવાલો જનતામાં ચર્ચાઇ રહ્યા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.