ભરૂચ જિલ્લો આધ્યાત્મિક દ્રષ્ટિએ રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જિલ્લામાં ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે, તેમાં ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક આવેલ સારસા માતાના પહાડનો પણ સમાવેશ થાય છે.રાજપારડી નગરના ચાર રસ્તા પરનો એક માર્ગ નેત્રંગ તરફ જાય છે. રાજપારડીથી ત્રણેક કી.મી.ના અંતરે નેત્રંગ રોડ પર સારસા માતાનો ડુંગર આવેલો છે. રાજપારડી નજીકના એક ગામનું નામ પણ સારસા છે.આ ગામનું નામ સારસા માતાના નામથી પડ્યુ હોવાનું મનાય છે.ભરૂચ જિલ્લાનો ઝઘડીયા તાલુકો વિપુલ વનસંપતિ ધરાવે છે.સારસા માતાના ડુંગર પર આજુબાજુના ગામોની જનતા દર્શનાર્થે આવે છે. ડુંગર ઉપર જવાનો રસ્તો દુરસ્ત કરવાની જરૂર જણાય છે. ઉપરાંત આ જગ્યાને એક યાત્રાધામ તરીકે વિકસાવવા જરૂરી સુવિધાઓનો પણ યોગ્ય રીતે વિકાસ કરવામાં આવે તો યાત્રાળુઓ તેનો લાભ લઇ શકે.પહાડ ઉપર તેમજ નીચે ધર્મશાળા બનાવાય તો તેનો સુંદર લાભ જનતાને મળે.ડુંગર ઉપરાંત ડુંગરથી થોડે દુર નીચે પણ સારસા માતાનું મંદિર આવેલુ છે. ઝઘડીયા વાલિયા નેત્રંગ વિ.પંથકના ગામોની જનતા માટે આ સ્થળ પરમ આસ્થાનું પ્રતિક મનાય છે.પ્રવાસન વિભાગ દ્વારા આ સ્થળનો એક યાત્રાધામ તરીકે વિકાસ કરવામાં આવે તેવી લાગણી યાત્રાળુ વર્ગમાં દેખાય છે.આપણી પ્રાચિન સંસ્કૃતિનો પણ એક સુંદર ઇતિહાસ છે અને તેમાં ઘણા બધા ધર્મસ્થાનોનો ઉલ્લેખ જોવા મળે છે.આ બાબત આપણી પ્રાચિન સંસ્કૃતિની એક ઝલક બતાડે છે.તે જ રીતે ભરૂચ જિલ્લાના ઘણા ધાર્મિક સ્થળોનું પોતાનું એક આગવું સ્થાન રહેલુ છે.તેમાં આ સારસા માતાનો પહાડ પણ મહત્વના સ્થાને આવે છે.આ સ્થળે દરવર્ષે સામા પાંચમના દિવસે ભવ્ય મેળો ભરાય છે.જમાં રાજપારડી નગર ઉપરાંત સારસા માતાના મંદિર સહિતના વિસ્તારમાં વિવિધ વસ્તુઓની દુકાનો મંડાય છે. ત્યારે આ સ્થળને એક યાત્રાધામ તરીકે વિકસાવવા યોગ્ય આયોજન કરાય તે ઇચ્છનીય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.