ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વંઠેવાડ ગ્રામ પંચાયતના સરપંચ પાર્થ વસાવાને જિલ્લા વિકાસ અધિકારીએ આપેલી કારણદર્શક નોટીસનો સરપંચ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે. આ જવાબમાં સરપંચે જણાવ્યું છે કે ડીડીઓ દ્વારા આપવામાં આવેલી નોટિસ તાલુકાના રાજકીય દબાણ હેઠળ નિર્ણય લઇ પૂર્વગ્રહ પ્રેરિત અને દ્વેષભાવ પૂર્વકની હોવાનો આક્ષેપ કરવામાં અાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લા પંચાયત તેમજ ઝઘડીયા તાલુકા પંચાયત અને વંઠેવાડ ગ્રામ પંચાયતના સરપંચનો ભારતીય સંવિધાનની અનુસૂચિ ૫ હેઠળની જનજાગૃતિ અર્થે લગાવવામાં આવેલ પંચાયતની હદમાં બોર્ડ બાબતનો કાનૂની ઝઘડો દિવસે દિવસે વધુ વિસ્તૃત બની રહ્યો છે.આ અગાઉ તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયા દ્વારા અને ત્યારબાદ ગત તા.૨૯.૭ ના રોજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વંઠેવાડ ગ્રામ પંચાયતના સરપંચ પાર્થ વસાવાને ભારતીય સંવિધાનની પાંચમી અનુસૂચિ હેઠળનો આદિજાતિ વિસ્તાર અંતર્ગત યોજાયેલી ગ્રામસભા બાબતે કારણ દર્શક નોટિસ આપી જણાવ્યું હતું કે અનુસૂચિ ૫ હેઠળના ગ્રામ પંચાયતની હદમાં લગાડવામાં આવેલ બોર્ડ બાબતે સરપંચ દ્વારા સત્તાનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમજ આ બોર્ડથી લોકોમાં ગેર સમજ ફેલાવાની શક્યતા રહેલી હોવાનું જણાવવા ઉપરાંત લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરાયો હોવાનુ જણાવીને આ નોટિસની દિન પાંચમાં સ્પષ્ટતા કરવા જણાવાયુ હતું. ડીડીઓએ આપેલી નોટિસના સંદર્ભમાં ગઇકાલે વંઠેવાડ ગ્રામ પંચાયતના સરપંચ પાર્થ વસાવા દ્વારા નોટિસનો વળતો જવાબ આપીને જણાવાયુ છે કે ગ્રામસભાને પંચાયત સુધારા અધિનિયમ ૧૯૯૩ થી તથા પેસા કાયદાની જોગવાઈઓને લાગુ પાડવા માટે ગ્રામસભાને વિશેષ સત્તાઓ અને માહિતીની જાણકારી મળે તે ઉદ્દેશથી બોર્ડ લગાડેલ છે. બંધારણમાં ઉલ્લેખ થયેલી જોગવાઇઓની જાણકારી આપવામાં આવેલ છે. બંધારણની કલમનો અનાદર કરવો એ રાષ્ટ્રદ્રોહનાં ગુના હેઠળનું કૃત્ય ગણવામાં આવે છે. બંધારણ એ પવિત્ર છે. જે બાબતને ધ્યાનમાં લઇ માત્ર જાણકારીના ઉદ્દેશથી માહિતી આપેલ છે. આમ રાજકીય દબાણ હેઠળ નિર્ણય લઇ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી સરપંચને આપેલ નોટિસ પૂર્વગ્રહપ્રેરિત અને દ્વેષભાવ પૂર્વકની છે. આ નિર્ણય રૂઢિગત ગ્રામસભાનો હોય ગ્રાહ્ય રાખવા વિનંતી કરી છે.આમ વંઠેવાડના સરપંચ અને તાલુકા જિલ્લા પંચાયત વચ્ચે આ બાબતે દિવસે દિવસે વકરતા જતા કાનુની વિવાદથી તાલુકામાં રાજકીય ક્ષેત્રે સન્નાટો દેખાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.