ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આવેલ જીઆઈડીસીની શ્રીરામ આલ્કલી એન્ડ કેમિકલ નામની એક કંપનીમાં આજે સવારે એલ્યુમિનિયમ ક્લોરાઇડ રીએક્ટરમાં પ્રેશરના કારણે ધડાકો થવાની ઘટના બની હતી. આ રિએક્ટરની નજીકમાં કામ કરતાં સાત જેટલા કામદારોને રિએક્ટર માંથી ઉડેલું એલ્યુમિનિયમ ક્લોરાઇડ કેમિકલ લાગતા આ કામદારો શરીરનાં અલગ-અલગ ભાગોએ દાઝી ગયા હતા. ઘડાકા સમયે કંપનીમાં થયેલ ભાગદોડમાં અન્ય એક કામદાર ઇજાગ્રસ્ત થયો હતો.આ ઇજાગ્રસ્ત થયેલા કામદારોને ભરૂચ સારવાર માટે લઇ જવાયા હતા.ઉલ્લેખનીય છે કે આ કંપની કોસ્ટિક સોડા, કલોરીન અને હાઇડ્રોજન જેવા કેમિકલ્સનું ઉત્પાદન કરે છે. આજે સવારના સમયે કંપનીના એલ્યુમિનિયમ ક્લોરાઇડ પ્લાન્ટમાં અચાનક રીએક્ટરમાં પ્રેસર વધતા રીએક્ટરના સાઈડના પડખાનાની પ્લેટ ધડાકાભેર ફાટી જતા ધડાકો થયો હતો. ધડાકો થતાં કામ કરી રહેલા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. ઊંચા પ્રેસરથી ધડાકો થતાં એલ્યુમિનિયમ ક્લોરાઇડ રીએક્ટરમાંથી કેમિકલ ઉછળ્યું હતું ,જેનાથી સાત જેટલા કામદારો શરીરના વિવિધ ભાગોએ દાઝી ગયા હતા. કંપની સંચાલકો દ્વારા તાત્કાલિક ઇજા પામેલા કામદારોને એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. ઇજા પામેલ સાત કામદારોમાં પટેલ દિવ્યેશ પ્રવીણભાઈ ઉંમર વર્ષ ૨૪ રહે. ઓએનજીસી કોલોની અંકલેશ્વર,વસાવા અનિલ ગોકુળભાઈ ઉંવ ૨૨ રહે. ગુંડેચા તા. ઝઘડિયા, વસાવા ચંપક સતીયાભાઈ ઉંવ ૪૫ રહે. ગુંડેચા,વસાવા મહેન્દ્ર મણિલાલભાઈ ઉંવ ૪૨ રહે. ગુંડેચા આમલઝર, વસાવા અર્જુન છત્રસિંહભાઈ ઉંવ.૨૨ રહે રજલવાડા તા. ઝઘડિયા, વસાવા જગદીશ વજીરભાઇ તા. ઝઘડિયા અને બારીયા રાકેશ કાંતિભાઈ ઉવ. ૫૭ રહે. ઝાબ દેવગઢ બારીયા (શાર્ક એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટર નો કામદાર) નો સમાવેશ થાય છે.આ ઉપરાંત એલ્યુમિનિયમ ક્લોરાઇડ રીએક્ટરમાં થયેલ ધડાકા સમયે પ્લાન્ટમાં ભાગદોડ મચતા વસાવા સુનિલ કનુભાઈ નામનો કામદાર પડી જવાથી તેને ડાબા હાથે ઇજા થઇ હતી. ઇજા પામનાર કામદારો પૈકી પટેલ દિવ્યેશભાઈ પ્રવીણભાઈ તથા વસાવા ચંપકભાઈ સત્યાભાઈને વધુ સારવાર અર્થે અટલાદરા વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયા છે. શ્રીરામ અલ્કલી એન્ડ કેમિકલ કંપનીમાં રીએક્ટરમાં થયેલા ધડાકાના પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ અને ઝઘડિયા પોલીસ વિભાગે તપાસ હાથ ધરી છે.
ઝઘડીયાની જીઆઇડીસીની ડીસીએમ કંપનીનાં એલ્યુમિનિયમ ક્લોરાઈડ પ્લાન્ટમાં કેમિકલ લીકેજથી સાત કામદારો દાઝયા.
Advertisement