ઝઘડીયા તાલુકાના રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્ટાફ નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ભાગ્યલક્ષ્મી દિવાકર નામની ૨૭ વર્ષની આ સ્ટાફ નર્સના પતિ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે બેન્કમાં નોકરી કરે છે. મંગળવારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ નર્સનો સેમ્પલ લેવાયો હતો. નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હાલ અવિધા સરકારી દવાખાના ખાતે સારવાર હેઠળ રાખવામાં આવી છે.નર્સનો પરિવાર રાજપારડી ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના ઉપરના ભાગે રહેતા હોઇ,પરિવારના બે સભ્યોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.વધુમાં મળતી વિગતો મુજબ રાજપારડી પીએચસીની સ્ટાફ નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવતા હવે દવાખાનાના અન્ય સ્ટાફને પણ હવે ક્વોરેન્ટાઇન કરવામાં આવશે એમ જાણવા મળ્યુ છે.ઝઘડીયા તાલુકામાં વધતા જતા કોરોના કેસોને પગલે તાલુકાની જનતામાં ચિંતા ફેલાવા પામી છે.રાજપારડી નગરમાં પ્રથમ એક તબીબ દંપતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.બાદમાં બીજા પણ કેટલાક પોઝિટિવ કેસ બહાર આવતા નગરની જનતા ચિંતિત બની છે.આરોગ્ય વિભાગ દ્વારા રાજપારડી ખાતે મેડિકલ સર્વે હાથ ધરાયુ હતુ અને લોકોને જરૂરી સલાહ સુચનો આપવામાં આવ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.