ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામના વેપારીઓએ ઝઘડીયાના તાલુકા વિકાસ અધિકારી દ્વારા શનિ રવિ અને સોમ, એમ અઠવાડિયાના ત્રણ દિવસ દુકાનો બંધ રાખવા આપેલ આદેશના વિરોધમાં ઝઘડીયા પ્રાંત અધિકારીને આજે આવેદન આપ્યુ હતુ. થોડા દિવસો અગાઉ ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારીએ ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લાના બજારો અઠવાડિયામાં શનિ, રવિ અને સોમના દિવસો દરમિયાન બંધ રાખવા ગ્રામ પંચાયતોને પત્ર લખી જાણ કરી હતી.તાલુકામાં વધી રહેલા કોરોના સંક્રમણને વધતુ અટકાવવા આ નિર્ણય લેવાયો હોવાનું જણાવ્યુ હતુ. જોકે ત્યારબાદ રાંધણ છઠના તહેવારો દરમિયાન આવેલા ત્રણ દિવસો દરમિયાન દુકાનો સાંજના ચાર સુધી ખુલ્લી રાખવાની છુટ આપવામાં આવી હતી.પરંતુ હવે પછી આવનારા દિવસોમાં અઠવાડિયામાં ત્રણ દિવસો વેપાર ધંધા બંધ રાખવામાં આવે તો વેપારીઓએ મોટું નુકશાન વેઠવાનો વારો આવે એવી દહેશત સાથે રાજપારડીના વિવિધ ધંધાઓ સાથે સંકળાયેલા વેપારીઓએ આજે ઝઘડીયા પ્રાંત અધિકારીને આવેદન આપ્યુ હતું.આવેદનમાં વેપારીઓએ જણાવ્યુ હતું કે લોકડાઉન દરમિયાન લાંબા સમય સુધી ધંધા બંધ રહેતા વેપારીઓને મોટું નુકશાન થયું હતું.વળી અઠવાડિયામાં શનિ, રવિ અને સોમ એમ ત્રણ દિવસ દુકાનો બંધ રહેતો ચોથા દિવસે આજુબાજુના ગામોની જનતાનો એકસાથે ધસારો થતાં સંક્રમણ વધવાની શક્યતાઓ વધી જાય.વેપારીઓએ બેંકલોનના હપ્તા દુકાનોના ઉંચા ભાડા કાઢવાના ઉપરાંત પરિવારનું ગુજરાન ચલાવવાનું હોય છે,ત્યારે આવા સંજોગોમાં ધંધા બંધ રાખવાનું પોષાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે ઝઘડીયાના વેપારીઓએ પણ સાંજે ચાર વાગ્યે દુકાનો બંધ કરવાના સ્થાનિક આદેશનો વિરોધ કર્યો હતો અને ધંધા સરકારી જાહેરનામા મુજબ સાંજના સાત સુધી ખુલ્લા રાખવા નિર્ણય લીધો હતો.દરમિયાન ઝઘડીયા પ્રાંત અધિકારીએ રાજપારડીના વેપારીઓની રજુઆતને ધ્યાનથી સાંભળીને વેપારીઓ સરકારી જાહેરનામા મુજબ સાંજના સાત સુધી ધંધા ચાલુ રાખી શકે છે એમ જણાવ્યુ હતુ. ઉપરાંત સપ્તાહના ત્રણ દિવસો શનિ, રવિ અને સોમ, એમ ત્રણ દિવસો ધંધા બંધ રાખવાના વિરોધમાં વેપારીઓએ વ્યક્ત કરેલ લાગણીને સમજીને પ્રાંત અધિકારીએ વેપારીઓ દુકાનો સરકારી જાહેરનામા મુજબ ખુલ્લી રાખી શકશે એવી ખાત્રી આપી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.
ઝઘડીયા : અઠવાડિયામાં ત્રણ દિવસ દુકાનો બંધ રાખવાના આદેશનાં વિરોધમાં રાજપારડીનાં વેપારીઓનું આવેદન.
Advertisement