ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોરોના સંક્રમણને વધતુ અટકાવવા ઝઘડિયા રાજપારડી અને ઉમલ્લા ગામના બજારો સાંજના ૪ વાગ્યા પછી બંધ કરાવવા પોલીસને મૌખિક સુચન કરવામાં આવ્યું હતું. જે સુચનના આધારે પોલીસ ગઇકાલે ૪ વાગ્યે બજારો બંધ કરાવવા નીકળી હતી, પરંતુ ઝઘડિયાના વેપારીઓએ તાલુકા વિકાસ અધિકારીના મૌખિક સુચનનો વિરોધ કરી કલેકટરના જાહેરનામા મુજબ અમલ કરવાનું જણાવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સપ્તાહના ત્રણ દિવસ શનિવાર, રવિવાર અને સોમવારના દિવસે બજારો બંધ રાખવા આ ગ્રામપંચાયતોને પત્ર લખી જણાવ્યું હતું. ઉપરાંત બાકીના ચાર દિવસ બપોરે ૪ વાગ્યા પછી તમામ બજારો બંધ કરાવવા ટીડીઓ દ્વારા પોલીસને મૌખિક રીતે જણાવવામાં આવ્યુ હતુ જેથી તાલુકા વિકાસ અધિકારીની મૌખિક સુચના ધ્યાનમાં લઇને પોલીસ ૪ વાગે બજારો બંધ કરાવે છે. જે બાબતે ઝઘડિયાના વેપારીઓએ ગઇકાલે વિરોધ નોંધાવ્યો હતો અને જિલ્લા કલેકટરના જાહેરનામાનો આગ્રહ રાખવા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર દ્વારા સવારે ૭ થી સાંજે ૭ સુધી વેપાર-ધંધા ચાલુ રાખવા જાહેરનામુ બહાર પડાયુ છે.મળતી વિગતો મુજબ જાહેરનામાને ધ્યાનમાં લઇ ઝઘડિયા વેપારીઓ પ્રાંત અધિકારીને મળવા ગયા હતા.જે બાબતે પ્રાંત અધિકારીએ પણ ઝઘડિયાના વેપારીઓને જિલ્લા કલેકટરના જાહેરનામા મુજબ બજારો ચાલુ રાખવા જણાવ્યું હતું. એક જ ગામમાં સરકારના બે વિભાગો તાલુકા પંચાયત અને પ્રાંત કચેરી વચ્ચેના સંકલનના અભાવનો ભોગ તાલુકાના વેપારીઓ બની રહ્યા છે ! વધુમાં મળતી વિગતો મુજબ રાજપારડીના વેપારીઓ પણ ટીડીઓના શનિ રવિ સોમના દિવસોએ દુકાનો બંધ રાખવાના આદેશનો વિરોધ કરી રહ્યા છે અને તેઓ પણ આ બાબતે ઝઘડીયા પ્રાંત અધિકારીને આવેદન આપનાર હોવાની વિગતો જાણવા મળી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.