ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી બેફામ રેત ખનન થતું હોવાની વ્યાપક ફરિયાદો લાંબા સમયથી ઉઠી રહી છે.ત્યારે હાલમાં ઝઘડીયા તાલુકાની ઇન્દોર ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેકટર અને ખાણ ખનીજ વિભાગને એક પત્ર લખી ઇન્દોર ગામની હદમાં ચાલતી તમામ લીઝો પરમીટો બંધ કરાવવા માંગ કરી છે. મળતી વિગતો મુજબ ગ્રામ પંચાયત દ્વારા લખાયેલા પત્રમાં જણાવવામાં આવ્યુ છે કે ઇન્દોર ગામે ચાલતી તમામ લીઝો પરમીટોમાંથી ગ્રામ પંચાયતને કોઈ ગ્રાન્ટ મળતી નથી, તેમજ કોઇ આર્થિક ફાયદો થતો નથી. ઉપરાંત લીઝ સંચાલકો દ્વારા રેતી ખનનને લગતા જરૂરી નિયમો અને શરતોનું પાલન કરવામાં આવતું નથી. જેથી આ બાબતે જરૂરી તપાસ કરી લીઝો બંધ કરાવવા પત્રમાં જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ગોવાલી, પોરા, તરસાલી, ટોઠીદરા, વેલુગામ, ઇન્દોર, નાના વાસણા વિગેરે ગામોની હદમાં અસંખ્ય લીઝો ખાણ ખનીજ વિભાગ દ્વારા ફાળવવામાં આવી છે. ફાળવવામાં આવેલી લીઝો પૈકી કેટલીક લીઝોના સંચાલકો દ્વારા આડેધડ રેત ખનન થવા ઉપરાંત રેત વહન કરતા કેટલાક વાહનો ઓવરલોડ જથ્થો ભરતા હોવાની તેમજ રોયલ્ટીની ચોરી કરતા હોવાની લોકચર્ચાઓ લાંબા સમયથી ઉઠવા પામી છે.ઉપરાંત આડેધડ થતાં રેત ખનનથી પર્યાવરણને નુકશાન થવાની દહેશત પણ જણાય છે. આ બાબતે તાલુકાની જનતામાં રોષ જણાય છે.રેત વહન કરતા ઘણાં વાહનો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતા નર્મદા કાંઠા વિસ્તારના ગામડાઓના રસ્તાઓ બિસ્માર બની રહ્યા છે. ત્યારે ઝઘડિયા તાલુકાની ઇન્દોર ગ્રામપંચાયત દ્વારા જિલ્લા કલેકટર તથા ખાણ ખનીજ વિભાગને એક પત્ર લખી ઇન્દોર ગામે ચાલતી તમામ લીઝો, પરમીટો બંધ કરાવવા માંગ કરવામાં આવી છે. લીઝો, પરમીટો માંથી ગ્રામ પંચાયતને કોઈ પ્રકારની ગ્રાન્ટ મળતી નથી તેમજ કોઈ આર્થિક ફાયદો થતો નથી અને વધુમાં લીઝ સંચાલકો દ્વારા રેત ખનનને લગતા નિયમો તથા શરતોનું યોગ્ય રીતે પાલન થતું નહિં હોવાની વાત રજુ કરીને નર્મદાના પટમાં ચાલતી લીઝોની આ બાબતે તપાસ કરીને લીઝો બંધ કરાવવા પત્ર દ્વારા માંગ કરવામાં આવી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.