ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ શ્રીરામ આલ્કલી એન્ડ કેમિકલ્સ કંપનીમાં (ડીસીએમ) ગત સવારના સમયે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના મટીરીયલ ગેટ પાસે રહેલી એક હાઈડ્રોજન ટેન્કમાં ધડાકાભેર આગ ફાટી નીકળી હતી. જે દુર્ઘટનાને પહોંચી વળવા માટે ઝઘડિયાના પ્રાંત અધિકારી, મામલતદાર, જીપીસીબી તેમજ નોટિફાઇડ એરિયાના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઝઘડીયા જીઆઇડીસીમાં આશરે ૮૦ થી વધુ કંપનીઓ કાર્યરત છે. તે પૈકીની કેટલીક કંપનીઓમાં કેમિકલ ગળતર, આગ, બ્લાસ્ટ વગેરે જેવી દુર્ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેતી હોય છે. આવા સમયે કંપની દ્વારા આકસ્મિક સંજોગોમાં તૈયારીના ભાગરૂપે ઝઘડિયાના પ્રાંત અધિકારી પ્રણવ વિઠ્ઠાણી, મામલતદાર જે એ રાજવંશી, જીપીસીબીના તથા નોટિફાઇડ એરિયાના અધિકારીઓ, કંપની મેનેજમેન્ટની હાજરીમાં ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ શ્રી રામ આલ્કલી એન્ડ કેમિકલ કંપનીમાં મોકડ્રીલનું આયોજન પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના મટીરીયલ ગેટ પાસે રહેલી એક હાઈડ્રોજન ટેન્કમાં અચાનક ધડાકો થઈ આગ ફાટી નીકળી હતી તેવા સંજોગોમાં કંપનીમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. કંપની મેનેજમેન્ટ દ્વારા જેમ બને તેમ જલ્દી કંપનીમાં કામ કરતા કર્મચારીઓને એક તરફ સુરક્ષીત કરવાની અને દુર્ઘટનાને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. કંપનીમાં બનેલ દુર્ઘટના સમયે કંપનીના ફાયર ટેન્ડર તેમજ નોટિફાઈડ ટેન્ડર્સની મદદ વડે આગ ઉપર કાબુ મેળવાયો હતો. ઝઘડિયાના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ મોકડ્રીલ સફળ રહ્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.