ઝઘડીયા જીઆઈડીસીની પાનોલી ઇન્ટરમીડીએટ નામની એક કંપનીમાંથી કોઈ અજાણ્યા તસ્કરો કંપનીનાં હાઈડ્રોજન પ્લાન્ટમાં મેન્ટેનન્સ માટે સ્પેરમાં રાખેલ ૩૩ નંગ પંપની ચોરી કરી લઇ ગયા હોવાની ઘટના બની છે.ઝઘડિયા જીઆઇડીસીની કેટલીક કંપનીઓમાં ઉત્પાદન થતાં લાખો રૂપિયાના મટીરીયલ, કંપનીનાં પ્લાન્ટની સાધન સામગ્રી તેમજ ભંગારની ચોરી થતી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.વારંવાર ઝઘડીયા જીઆઇડીસીમાં થતી ચોરીની ઘટનાઓથી કંપની સંચાલકો ચિંતિત બન્યા છે.જ્યારે ચોરીઓ ડામવા જવાબદાર તંત્ર કોઇ અસરકારક ભુમિકા અપનાવતું નથી તેવી પણ બુમ ઉઠવા પામી છે.મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ પાનોલી ઇન્ટરમીડીએટ નામની કંપનીમાં વિવિધ જાતના કેમિકલ બને છે. કેમિકલ બનાવવાનાં પ્રોસેસ માટે પંપનો ઉપયોગ થાય છે. જેથી મેન્ટેનન્સ માટે પંપના સ્પેરની અવારનવાર જરૂર પડતી હોવાથી, તેવા પંપ કંપની સંચાલકો દ્વારા કંપનીમાં આવેલ હાઈડ્રોજન પ્લાન્ટમાં રાખવામાં આવે છે. ગઈ તારીખ ૨૭ નાં રોજ કંપનીનાં આસિસ્ટન્ટ મેનેજર વિનોદકુમાર પર મેન્ટેનન્સ ઇન્ચાર્જ રાકેશ પટેલનો ફોન આવ્યો હતો અને જણાવેલ કે કંપનીનાં હાઈડ્રોજન પ્લાન્ટમાં ચોરી થયેલ છે. જેથી વિનોદકુમાર તાત્કાલિક હાઈડ્રોજન પ્લાન્ટમાં જઇને તપાસ કરી હતી. જેમાં કંપનીમાં રાખવામાં આવેલ પંપસેટ તેમજ વાલ્વ વગેરેની ચોરી થઇ હોવાનું જણાયું હતું. કુલ ૩૩ નંગ સ્પેર પમ્પ, જેની કિંમત રૂપિયા ૫૫,૦૦૦ થાય છે તે કોઈ અજાણ્યા ઇસમો કંપનીનાં હાઈડ્રોજન પ્લાન્ટમાંથી ચોરી ગયા હતા. કંપનીમાં ચોરી બાબતની ફરિયાદ કંપનીના આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર વિનોદકુમાર રેગર દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં કરવામાં આવી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.