ઝઘડિયા તાલુકાનાં દધેડા ગામ નજીક આવેલ એક ઔધોગિક કંપનીની પાછળનાં વિસ્તારમાંથી ગઇકાલે એક અજાણ્યા ઈસમની લાશ મળી હતી.દધેડા ગામનાં સરપંચ જયેશભાઈ વસાવાને આ બાબતની ખબર પડતા તેમણે ઝઘડીયા પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આ મૃતદેહ કોઇ ૪૦ થી ૪૫ વર્ષનાં ઈસમનો હોવાનું જણાતુ હતું. બાદમાં ઝઘડિયા પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો. મૃતક શરીરે મજબૂત બાંધાનો, રંગે શ્યામ તેમજ લંબગોળ મોંઢુ ધરાવતો જણાયો હતો અને સફેદ કલરનો ચોકડી વાળો શર્ટ અને રાખોડી કલરનું પેન્ટ પહેરેલ હતું. મરણ પામનાર આ અજાણ્યા ઈસમની હજી ઓળખ થઈ શકી ન હતી. ઝઘડિયા પોલીસે લાશનો કબજો લઇને આ ઈસમનું મોત આત્મહત્યા છે કે તેની હત્યા થઇ છે, તે બાબતે તપાસ હાથ ધરી હતી. ત્યારે આ અજાણ્યા ઇસમનાં રહસ્યમય સંજોગોમાં બિનવારસી હાલતમાં મળેલ મૃતદેહને પગલે તાલુકામાં ચકચાર મચી જવા સાથે તર્ક વિતર્ક સર્જાયા છે.પોલીસ તપાસ બાદ રહસ્ય પરથી પરદો ઉંચકાય તો જ આ અજાણ્યા ઇસમનું મોત હત્યા છે કે આત્મહત્યા તેની ખબર પડે અને તે મૃતદેહ કોનો છે તેની ખબર પડી શકે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.