ઝઘડીયા જીઆઇડીસીમાં રોજિંદી બનતી અકસ્માતની ઘટનાઓ સંદર્ભે ફેકટરી ઇન્સ્પેક્ટર તથા ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગની બેદરકારી બદલ કંપની સંચાલકો તથા કોન્ટ્રાક્ટ સંચાલકો પર શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું ! ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ વેલેન્ટ ઓર્ગેનિક લિમિટેડ કંપનીમાં પ્રોજેક્ટ વર્ક દરમિયાન એસ.આર.એન્જિનિયરિંગ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા તેના હાઇડ્રામાંથી લોખંડની એંગલ છૂટીને પડતા નીચે ઊભેલા કામદાર પર પડી હતી જેથી કામદાર જ્ઞાનેશ્વર યાદવનું સ્થળ પર જ મોત નિપજયુ હતું. ઝઘડીયા જીઆઇડીસીમાં અવારનવાર બનતી અકસ્માતની ઘટનાઓ બાબતે જિલ્લા ફેક્ટરી ઇન્સ્પેક્ટર તથા ઇન્ડસ્ટ્રીયલ સેફટી ડિપાર્ટમેન્ટની કામગીરી સામે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.ઝઘડિયા જીઆઇડીસીના પ્લોટ નંબર ૯૧૮ માં આવેલ વેલેન્ટ ઓર્ગેનિક કંપનીમાં હાલમાં પ્રોજેક્ટ વર્ક ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ વર્ક એસ.આર. એન્જિનિયરિંગ કંપનીને સોંપવામાં આવ્યું છે. ગતરોજ કંપનીમાં આવેલ એક ટ્રેલરમાં સ્ટ્રક્ચરનો સામાન આવ્યો હતો. એસ.આર. એન્જિનિયરિંગના સુપરવાઇઝર દ્વારા ટ્રેલરમાંથી લોખંડનો સામાન ઉતારવાની કામગીરી ચાલતી હતી. તે દરમિયાન અચાનક ટ્રેલરમાંથી બેલ્ટ વડે બાંધેલ એંગલ હાઇડ્રાની પકડમાંથી છટકી જતા નીચે પટકાઈ હતી. એંગલ છટકી જતા નીચે ઊભેલા કામદાર જ્ઞાનેશ્વર રામ પ્યારે યાદવ ઉપર પડી હતી. જેથી કામદાર ગંભીર રીતે ઘવાયો હતો અને બેભાન થઈ ગયો હતો. કંપનીના એચ.આર. વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ બોલાવી તેની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ તેને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો જ્યાં તબીબો દ્વારા તેને મરણ થયેલ જાહેર કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડીયા જીઆઇડીસીમાં છેલ્લા કેટલા સમયથી રોજિંદી અકસ્માતની ઘટનાઓ બની રહી છે પરંતુ આ બાબતે જવાબદાર તંત્ર ચૂપકીદી સાધી બેઠું છે. વેલેન્ટ ઓર્ગેનિક કંપનીમાં બનેલ ઘટનામાં કંપની સંચાલકો તથા એસ.આર. એન્જિનિયરિંગના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ તથા ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમની સામે શું પગલાં ભરે છે તે હવે જોવાનું રહ્યું !
ઝઘડીયા જીઆઈડીસીની વેલેન્ટ ઓર્ગેનિક કંપનીમાં પ્રોજેકટ વર્ક દરમિયાન લોખંડની એંગલ કામદાર પર પડતા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું.
Advertisement