ભરૂચ જીલ્લા એલસીબી પોલીસે ઝઘડિયા તાલુકાના ધારોલી ગામેથી બાતમીના આધારે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ અલગ અલગ બ્રાન્ડની કુલ ૩૦૪ નંગ બોટલો જેની કિંમત ૨૫,૬૦૦ રુ.થાય છે તે ઝડપી પાડી હતી. ઝઘડિયા તાલુકામાં દેશી તથા ભારતીય બનાવટના વિદેશી દારૂનું મોટાપાયે ઠેર ઠેર વેચાણ થઈ રહ્યું હોવાની વ્યાપક લોક ચર્ચાઓ ઉઠવા પામી છે. તાલુકામાં ઝઘડીયા, ઉમલ્લા અને રાજપારડી એમ ત્રણ પોલીસ સ્ટેશનો હોવા છતાં તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કંગાળ બની રહી છે. લોકડાઉન દરમિયાન દારૂ વેચવા પર કડક પ્રતિબંધ હોવા છતાં તાલુકામાં છુટથી દેશી તથા વિદેશી દારૂ મળે છે,જે એલસીબી પોલીસની આ રેડ પરથી ચોખ્ખું દેખાઇ રહ્યુ છે. જીલ્લા એલસીબીને બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે રહેતો સુનિલ વિનોદ વસાવાએ દારૂનો જથ્થો તેના વાડામાં સંતાડેલો છે. એલસીબી પોલીસે બાતમીના આધારે ધારોલી ગામે સુનીલ વિનોદ વસાવાના ઘરે જઈ છાપો મારતા તેના ઘરના વાડામાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ જથ્થો કબજે લઇને તપાસ કરતા તેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૩૦૪ બોટલો મળી આવી હતી. પોલીસે જપ્ત કરેલ આ દારૂના જથ્થાની કિંમત રૂપિયા ૨૫,૬૦૦ જેટલી થાય છે. ભરૂચ એલસીબી એ સુમનબેન વિનોદભાઇ વસાવા તથા સુનિલ વિનોદ વસાવા બંને રહેવાસી ધારોલી વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ