કોરોના વાયરસને પગલે દેશભરમાં ૪ તબક્કામાં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયું છે. લોકડાઉનના પગલે દક્ષિણ ગુજરાતની ઔદ્યોગિક વસાહતો,કન્ટ્રકશન સાઇટો તેમજ મોટા હોલસેલ માર્કેટો બંધ રહેતા પરપ્રાંતિય શ્રમિકોની હાલત દયનિય બની છે. પરપ્રાંતિય શ્રમિકોની રોજીરોટી બંધ રહેતા લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય શ્રમિકો પોતપોતાના વતન જવા બેબાકળા બનતા શ્રમિકો પગપાળા અને સાયકલ દ્વારા પોતાના જીવની પરવા કર્યા વિના જોખમી પ્રવાસ કરી રહ્યા છે. ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે લોકડાઉન દરમિયાન મજબુર બનેલા ૨ શ્રમિકો સાયકલ દ્વારા પ્રવાસ ખેડી સુરતથી મધ્યપ્રદેશ જવા રાજપારડી આવી પહોંચ્યા હતા. સાયકલ સવાર પરપ્રાંતિય શ્રમિકોના જણાવ્યા મુજબ તેઓ સુરતથી સાયકલ દ્વારા મધ્યપ્રદેશ પોતાના વતન જઇ રહ્યા છે. માર્ગમાં પ્રવાસ દરમિયાન કોઇ જ મદદ નથી મળી અને ઘણા સ્થળોએ પોલીસે પાસની માંગણી કરી હોવાનું તેઓએ જણાવ્યુ હતું. જોકે ૩ દિવસથી સાયકલ દ્વારા પ્રવાસ કરી મધ્યપ્રદેશ પોતાના વતન જતા પરપ્રાંતિય શ્રમિકોને રાજપારડીના એક સખીદાતાએ ભોજન કરાવી પીવાના પાણીની વ્યવસ્થા કરી આપતા શ્રમિકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના પરપ્રાંતિય શ્રમિકો પોતપોતાના વતન રવાના થઇ રહ્યા છે ત્યારે ગુજરાત હવે પાછુ ક્યારે ધબકતુ થશે તે બાબત પણ હાલ તો પ્રશ્નાર્થની ભુમિકામાં જણાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
સુરતથી સાયકલ દ્વારા મધ્યપ્રદેશ વતનમાં જતા 2 શ્રમિકોની વ્યથા.
Advertisement