ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામે રહેતી જીગ્નેશા નામની ૨૦ વર્ષીય યુવતીએ સાસરીમાં ત્રાસ અપાતો હોવાની લાગણી સાથે કોઇ ઝેરી દવા પી લેતા તેનું ભરુચ સીવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સીરોલા ગામની આ જીગ્નેશા નામની યુવતીના લગ્ન ઝઘડીયા તાલુકાના પાણેથા ગામે રહેતા રણજીતભાઇ દિનેશભાઇ ઠાકોર નામના યુવાન સાથે થયા હતા.લગ્ન બાદ થોડો સમય સારુ ચાલ્યુ પણ બાદમાં યુવતીના સસરા તેણીને ખેતરમાં કામે જવા દબાણ કરતા હતા.યુવતી તેમ કરવાની ના પાડતા તેના સસરા દિનેશભાઇ તેણીના પતિ રણજિતને ચઢાવતા રણજિત યુવતીને મારઝુડ કરતો હતો.દરમિયાન તા.૧૪ મીના રોજ યુવતીએ તેના પિતાને ફોન દ્વારા જણાવેલ કે તેના પતિએ છાતીમાં માર માર્યો હોઇ દુખાવો થાય છે તેમ જણાવી પોતાને પિયર તેડી જવા કહ્યુ હતુ.ત્યારબાદ તા.૧૫ મીના રોજ યુવતીના પતિ રણજીતે સીરોલા ગામે તેના સસરાને ફોન કરીને જણાવેલ કે તમારી છોકરી કાંઇક પી ગઇ છે તેથી તેને ભરુચ દવાખાને લઇ જઇએ છીએ.ત્યારબાદ યુવતીના પિતા અને અન્ય સંબંધીઓ પાણેથા આવવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં તેમને ભરુચ દવાખાને જીગ્નેશાનું મૃત્યુ થયુ હોવાની જાણ થઇ હતી.પોલીસ ફરિયાદ મુજબ વધુમાં જાણવા મળ્યા અનુસાર મૃતકના પતિને અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો હતા અને તે એ સ્ત્રીને છોડવા માંગતો ન હતો.યુવતીના પિતા ધનજીભાઇ મેલાભાઇ ઠાકોર રહે.ગામ સીરોલા તા.ડભોઇ જિ.વડોદરાનાએ આ અંગે યુવતીના પતિ રણજીતભાઇ દિનેશભાઇ ઠાકોર અને સસરા દિનેશભાઇ રાયસીંગભાઇ ઠાકોર બન્ને રહે.ગામ પાણેથા તા.ઝઘડીયા જિ.ભરુચ વિરુદ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ