ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે રાત્રે દુકાન બંધ કરીને પત્ની સાથે ઘેર જઇ રહેલ વેપારીની દુકાનનો વકરો ભરેલ રોકડ રકમની થેલી ઝુંટવીને બે અજાણ્યા ઇસમો બાઇક પર ભાગી ગયા હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મૂળ મહેસાણા જિલ્લાના રહીશ દિલીપ રમણભાઈ પટેલ હાલ ઝઘડિયા ખાતે રહે છે અને ઝઘડિયા ચાર રસ્તા નજીક કરિયાણાની દુકાન ચલાવે છે. ગઇકાલે રાતના સાડાનવ વાગ્યાના અરસામાં તેઓ દુકાન બંધ કરીને પત્ની ભાવનાબેન અને અન્ય સંબંધીઓ સાથે ઘરે જવા નીકળ્યા હતા. આ લોકો પાસે દુકાનનો તે દિવસનો વકરો ભરેલ થેલી હતી, થેલીમાં ૧૦ હજાર જેટલા રુપિયા મુકેલા હતા. આ થેલી દિલીપભાઈની પત્ની ભાવનાબેન પાસે હતી.તેઓ ઘર તરફ જઇ રહ્યા હતા તે દરમિયાન યુવક જેવો જણાતો એક ઇસમ અંધારામાંથી આવીને ભાવનાબેન પાસે રહેલ દુકાનના વકરાની થેલી ઝુંટવીને ભાગી છુટ્યો હતો. અને થોડે દૂર એક બાઈક લઇને ઉભા રહેલ એક અન્ય ઇસમ સાથે બાઈક ઉપર બેસીને ગોકુલનગર સોસાયટી તરફ બન્ને ઇસમો નાશી ગયા હતા. પોતાની રુ.દસ હજાર જેટલી રકમ ભરેલ થેલીની ખુલ્લેઆમ લુંટ થતાં આ પરિવાર સ્તબ્ધ બની ગયું હતું. ઘટના સંદર્ભે દિલીપભાઇ પટેલે ઝઘડિયા પોલીસમાં દુકાનનો વકરો ભરેલ થેલી ઝુંટવીને નાશી ગયેલ બે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી