ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી દિપડાઓની વસતિ વધી રહી છે. ઝઘડિયા તાલુકામાં શેરડીનું વાવેતર વિપુલ પ્રમાણમાં થાય છે. શેરડીના ખેતરો દિપડાઓ માટે આશ્રય સ્થાન ગણાય છે. દિપડાઓ ઘણીવાર શિકારની શોધમાં માનવ વસતિમાં આવીને ઘરોના વાડામાં બાંધેલ પાલતું પ્રાણીઓનું મારણ પણ કરતા હોય છે. જ્યારે દિપડાઓ દ્વારા માણસો પર હુમલા કરવાની ઘટનાઓ પણ બનતી હોવાનુ બહાર આવ્યું છે. રાજપારડી નજીકના સારસા ગામે આજરોજ ઉમધરા તરફના રોડ પર એક કેળના ખેતરમાંથી આશરે ૪૮ વર્ષીય એક ઇસમનો દિપડાએ ખાધેલ અવસ્થામાં મૃતદેહ જણાતા રાજપારડી પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ ઉપર જઇને મૃતદેહનો કબજો લઇને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આ મૃતદેહ વલા ગામના હરિસિંગ ચીમનભાઇ વસાવા નામના ૪૮ વર્ષીય ઇસમનો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઇસમ થોડો અસ્થિર મગજનો હોઇ તેની સારવાર ચાલી રહી હતી. મૃતદેહ નજીકથી દિપડાના પંજાના નિશાન જોવામાં આવ્યા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું હતું. જ્યારે આ ઇસમના શરીરનો કેટલોક ભાગ દિપડા દ્વારા ખવાઇ ગયો હોવા ઉપરાંત મૃતકનો એક હાથ પણ શરીરથી છુટો પડેલ હતો. આ ઇસમ સારસા ગામનો જમાઇ હતો અને હાલ સારસા રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. રાજપારડી પોલીસે મૃતદેહનો કબજો લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝઘડિયાના સારસા ગામ નજીક કેળના ખેતરમાંથી દિપડાએ ખાધેલ અવસ્થામાં એક ઇસમનો મૃતદેહ મળ્યો
Advertisement