ભરૂચ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની છે, ખાસ કરી ઝઘડિયા તાલુકાના માર્ગો પર મસમોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર પડેલા ખાડાના કારણે લોકોમાં અકસ્માતનો પણ ભય જોવા મળતો હોય છે તો સાથે સાથે વાહનોને પણ નુકશાની થતી હોય છે અને ઈંધણનું પણ વેડફાટ જોવા મળે છે.
તંત્રમાં અનેકવાર સ્થાનિકોએ રજુઆત કરી છે, છતાં નિદ્રાધીન તંત્રની આંખ ન ખુલતી હોય લોકોનો આક્રોશ ચરમસીમા એ પહોંચ્યો હતો, આજરોજ સવારના સમયે રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગ ઉપર સ્થાનિકોએ બેસી જઈ ચક્કાજામ કર્યો હતો.
સ્થાનિકોના આક્રોશ અને ચક્કાજામના પગલે અનેક વાહનોના પૈડાં ઠંભી ગયા હતા તો બીજી તરફ ઘટના અંગેની જાન રાજપારડી પોલીસને થતા પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો, તેમજ ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવટ બાદ માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો.
સ્થાનિકોનું જણાવવું છે કે જો વહેલી તકે તંત્ર દ્વારા આ રસ્તાઓનું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં નહીં આવે તો તેઓએ દ્વારા આગામી દિવસોમાં હજુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.