ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે મધરાતે મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં માહલતો જોવા મળતા ગ્રામજનોના જીવ પડીકે બંધાયા હતા. મધરાતે મગર ગામમાં લટાર મારતો હોવાની વાત વાયુવેગે પ્રસરતા લોકોમાં ફફડાટ સાથે તેને જોવા ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મોટી ભાગોળના રહેણાંક વિસ્તારમાં ફરતા મહાકાય મગર અંગેની જાણ ઝઘડિયા વન વિભાગ અને જીવદયા પ્રેમીઓને કરવામાં આવી હતી. મહાકાય મગરને પકડવા વન વિભાગ સાથે NGO ગામમાં દોડી આવી મગરને પકડવા કામગીરી હાથ ધરી હતી. બે કલાકની જહેમત બાદ વિશાળ મગરમચ્છનેરેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો.
વન વિભાગે મગરને પાંજરામાં પુર્યા બાદ ગ્રામજનોના જીવમાં જીવ આવ્યો હતો. વન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો. હાલ ચોમાસાની મૌસમ અને સરદાર સરોવર નર્મદા ડેમમાંથી વીજ ઉત્પાદન બાદ ઠલવાતા પાણીને લઈ ગામમાં આ મહાકાય મગર આવી ચઢવાની શકયતા વ્યક્ત કરાઈ હતી.