દર ઓગસ્ટ માસમાં સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી ” સ્તનપાનને સક્ષમ બનાવોની થીમ પર ઉજવણી થઈ રહી છે. આર્થિક ઉપાર્જન કરતા માતા – પિતા માટે બદલાવનો એક પ્રયાસ થઈ રહ્યો છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ૧૬ ગામોમાં ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા ચાલતા ખુશાલી સેહત પ્રોજેકટ અંતર્ગત ચેતના સંસ્થા દ્વારા ૧ થી ૧૮ ઓગષ્ટ સુધી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ઝગડીયા તાલુકાના બોરિદ્રા ગામથી પ્રારંભ કરવામાં આવ્યો અને લિંભેટ ગામે તેનું સમાપન કરવામાં આવ્યું. આ સિવાયના ખરચી, ખરચી ભીલવાડા, નવાગામ મોટા, ગુમાપુરા, દધેડા મોતીપુરા, સેલોદ, ફુલવાડી, કપલસારી, વખતપુરા, ઉટિયા, સરદારપુરા, તલોદ્રા, રંદેરી ગામોમાં પણ વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમા સગર્ભા, ધાત્રી, તેમના સાસુઓ, નવી પરણિતા સાથે બેઠકો આયોજિત કરવામાં આવી જેમાં ૪૪૭ બહેનો ઊપસ્થિત રહ્યા હતાં. જેમાં નુકકડ નાટક દ્વારા સ્તનપાન કેવી રીતે કરાવવું જોઈએ અને તેના ફાયદા વિષે સમજુતી આપી હતી. ચેતના સંસ્થા દ્વારા સ્વરચિત સ્તનપાન અંગેનું ગીતનું ગાન કરવામાં આવ્યુ હતું. સ્તનપાન અંગે કવીઝ સ્પર્ધા યોજવામાં આવ્યુ હતું. શપથ લેવામાં આવી તથા પૌષ્ટીક વાનગી નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ANM, CHO, ICDS, CDPO અને સુપરવાઇઝર, શાળાના શિક્ષક, અન્ય સંસ્થાના કર્મચારી, આશાવકૅર,આંગણવાડી વર્કર અને હેલ્પર અને ખુશાલી સેહત ટીમ એ સક્રિય પણે ભાગ ભજવ્યો હતો.