ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જુનાપોરા ગામે નર્મદા નદીમાં મગરે હુમલો કરતા એક ૫૦ વર્ષીય આધેડ ઇસમનું મોત નીપજ્યું હતું. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ જુનાપોરા ગામે રહેતા વિનુભાઇ શનાભાઇ વસાવા નામના પશુપાલક ગતરોજ તા.૧૮ મીના રોજ બપોરના ત્રણ વાગ્યાના સમય દરમિયાન પોતાના પશુઓને પાણી પીવડાવવા નર્મદા નદીએ લઇ ગયા હતા. પશુઓ નદીમાંથી પાણી પીને જલ્દીથી બહાર ન આવતા વિનુભાઇ પશુઓને બહાર કાઢવા નદીમાં ઉતર્યા હતા. ત્યારે અચાનક નદીના પાણીમાંથી ત્યાં આવી ચઢેલ એક મગરે વિનુભાઇનો જમણો પગ પકડીને નદીમાં ખેંચ્યા હતા. વિનુભાઇ પર મગરે હુમલો કર્યાનું જણાતા કિનારે રહેલ જુનાપોરા ગામના નિલેશ ગુરૂદેવભાઇ વસાવા નામના યુવકે બુમાબુમ કરતા અન્ય ઇસમો ત્યાં દોડી આવ્યા હતા. મગરના હુમલામાં નદીમાં ખેંચાઇ રહેલ વિનુભાઇના ફક્ત હાથ જ બહાર દેખાતા હતા. આ લોકોએ વિનુભાઇને બહાર ખેંચતા મગરના પંજામાંથી તો છુટી ગયા હતા પરંતું ગંભીર રીતે જખ્મી થયેલ હતા. તેમને તાત્કાલિક અવિધા સરકારી દવાખાને લઇ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. ઘટના સંદર્ભે જુનાપોરાના નિલેશ વસાવાએ રાજપારડી પોલીસને જાણ કરી હતી.
ઝઘડિયા તાલુકાના જુનાપોરા ગામે નર્મદા નદીમાં મગરના હુમલામાં આધેડનું મોત
Advertisement