ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં વાદળછાયા વાતાવરણમાં સુનામી આવી પહોંચી હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે, ખાસ કરી ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોનો ઉકળતો ચરું પત્ર વ્યવહાર થકી સામે આવ્યો છે, ભાજપના જ કેટલાય હોદ્દેદારો એ વર્તમાન ધારાસભ્ય રીતેશ વસાવા અને બીટીપી માંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અઘ્યક્ષ સી.આર પાટી ને ઝઘડિયા વિધાનસભાના કેટલાક હોદ્દેદારો એ પત્ર લખી રાજીનામુ આપ્યું હોવાનો પત્ર વાયરલ થયો છે, જેમાં ખાસ કરી વર્તમાન ધારાસભ્ય અને તેઓના સાથીદાર સામે મૂળ ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોની અવગણા કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા છે, વિકાસના કામ હોય કે પછી રોજગારી હોય કે ધંધાકીય બાબતમાં બીટીપી ના મોટા માથાઓને સમર્થન આપી મૂળ ભાજપના કાર્યકર્તાઓને જાણી જોઈને નુકશાન કરવામાં આવતું હોવાના આક્ષેપ કરાયા છે.
વધુમાં ગત તારીખ 1/07/2023 ના રોજ વાલિયાના કરસાડ ખાતે બીટીપી ના માજી સરપંચ સાથે ભાજપના સરપંચના પુત્ર અને હાલના ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના કારોબારી સભ્ય પ્રકાશભાઈ વસાવા જવાબદારી નિભાવે છે તો પણ બીટીપી ના માજી સરપંચે વાલિયા પી.આઈ વાઘેલાને કહીને ખોટી ફરિયાદ ધારાસભ્યના કહેવાથી કરાવી હોવાનું પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રિતેશ વસાવા અને પ્રકાશ દેસાઈ ભાજપના જુના કાર્યકર્તાઓને લાવવા એમની સાથે બીટીપી માંથી આવેલા લોકોને સમર્થન કરવામાં આવતું હોવાના આક્ષેપ કરી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, સાંસદ મનસુખભાઇ વસાવા અને જિલ્લા પ્રમુખ મારુતિ સિંહ અટોદરીયા સમક્ષ પ્રદેશ આદિજાતિ મોરચાના કારોબારી સભ્ય, જિલ્લા સંગઠન મંત્રી, સંગઠન ઉપ પ્રમુખ, સંગઠન મંત્રી, મહામંત્રી મહિલા મોર્ચા, યુવા મોર્ચા મંત્રી, સહિત 20 જેટલાં હોદ્દેદારો એ એક સાથે રાજીનામાં ધરી દેતા ભરૂચ જિલ્લા ભાજપમાં હડકમ મચી જવા પામ્યો છે.
હાલ સમગ્ર મામાલે સત્તાવાર ભરૂચ ભાજપા દ્વારા કોઈ માહિતી બાહર પાડવામાં આવી નથી જોકે રાજીનામાં અપાયા હોવાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.