ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ જીઆઇડીસી ની કેટલીક કંપનીઓમાં અવારનવાર ગેસ દુર્ઘટના તેમજ બ્લાસ્ટ સહિત અન્ય જીવલેણ ઘટનાઓ બનતી હોય છે. તાજેતરમાં ગત તા.૮ મી જુનના રોજ જીઆઇડીસી ની કેએલજે પેટ્રોપ્લાસ્ટ નામની કંપનીમાં ટેન્કમાં ઉતરેલા ત્રણ કામદારો પૈકી એકનું મોત થયું હતુ. કામદારોને ટાંકીમાં અંદર ઉતારવાનું જોખમી હોવા છતાં કંપની સંચાલકો દ્વારા કામદારો પાસે આવું જોખમી કામ લેવાય તે કેટલે અંશે યોગ્ય ગણાય ? આવી મોટી જીવલેણ હોનારત થવા છતાં હજુ કંપની સંચાલકોને શાણપણ આવ્યું નથી તેની પ્રતીતિ કરાવતા દ્રશ્યો જીઆઇડીસી માં છડેચોક દેખાઇ રહ્યા છે.
કેએલજે એક કેમિકલ કંપની છે, તાજેતરમાં થયેલ જીવલેણ દુર્ઘટનાથી સાબિત થઇ ગયું છેકે આવી કંપનીઓમાં કામ કરતા કામદારો સાથે કોઇવાર જીવલેણ દુર્ઘટના પણ બની શકે છે. ત્યારે હજુ જાણે કંપની સંચાલકો કોઇ દુર્ઘટના નોંતરવા તૈયાર થઇને બેઠા હોય એમ કેએલજે કંપની સંકુલમાં પતરાની કેબિનો જેવા રહેણાંકો બનાવીને ત્યાં કામદારોને રાખવામાં આવે છે. આવી કંપનીઓમાં ક્યારે ગેસ દુર્ઘટના કે અન્ય કોઇ હોનારત થશે તે કોણ કહી શકે?! છતાં કંપની સંચાલકો દ્વારા માનવ જીંદગીઓ સાથે ચેડા કરીને કામદારોની જીંદગીને સસ્તી માની લેવાય છે તે ખરેખર નૈતિકતાની વિરુધ્ધ છે, છતાં બધું બે રોકટોક ચાલે છે ! ઝઘડિયા જીઆઇડીસી માં ભુતકાળમાં પણ ઘણીબધી જીવલેણ ઘટનાઓ બની છે,પરંતું આવી ઘટનાઓ બનતી અટકે તે જોવાની જે જે અધિકારીઓ કર્મચારીઓની ફરજ છે તેઓ દ્વારા કરવામાં આવતા આંખ આડા કાન આવી ઘટનાઓ પ્રત્યે જવાબદાર છે. પરંતું આવા જવાબદાર લોકો પોતાની ફરજ બજાવવા ઉણા ઉતરતા જીઆઇડીસી ના કંપની સંચાલકોને માનવ જીંદગીઓ સાથે ચેડા કરવાના જાણે હક મળી જતા હોય એમ બધું બે રોકટોક ચાલ્યા કરતું હોય છે ! આમાં જ્યારે વાડ જ ચીભડા ગળતી હોય ત્યારે ફરિયાદ કોને કરવી ! એવો પ્રશ્ન પેદા થાય છે. જીઆઇડીસી નું તંત્ર નિયમ મુજબ ચાલે તે માટે તેના પર નજર રાખવા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ નોટિફાઇડ કચેરી જેવા વિભાગો હોવા છતાં ઘણીવાર નાગરીકો દ્વારા જીઆઇડીસી સંબંધે પુછાતા જરુરી સવાલના જવાબ આપવા આ વિભાગોના કર્મીઓ ગલ્લાતલ્લા ઉપરાંત બાય બાય ચાયણી જેવું વર્તન કરે ત્યારે સ્વાભાવિક જ આવા લોકોની ફરજ નિષ્ઠા પર પણ શંકાઓ પેદા થાય છે. જીઆઇડીસી ના ઉધોગ સંચાલકો પોતે તો સલામત રહે છે પણ કામદારોની સલામતી પ્રત્યે જે દુર્લક્ષ સેવે છે તેને એમની લાપરવાહી ગણવી કે પછી કામદારોના ભોગે તેમની સ્વાર્થ વૃત્તિ ? આવાતો ઘણા સવાલો ઉભા થાય છે, પરંતું જવાબદાર તંત્રના બહેરા કાને અથડાઇને પાછા ફરે છે. ત્યારે જીઆઇડીસી ના કામદારો પુરતી સલામતી અનુભવી શકે તે માટે યોગ્ય પગલાઓ ભરવા ઉચ્ચ સ્તરીય તંત્ર જો રસ બતાવે તોજ આ દિશામાં આપણે કોઇ ચોક્કસ પરિણામની આશા રાખી શકીશું.
ઝઘડિયા જીઆઇડીસી માં ખતરા વચ્ચે માનવ જીંદગી ! કેમિકલ કંપનીઓના કમ્પાઉન્ડમાં માનવ વસાહતો !
Advertisement