આજરોજ વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થતાં લોકોએ ઉકળાટમાં કંઇક અંશે રાહત અનુભવી હતી. ઉનાળાના દિવસો પુર્ણ થતાં ચોમાસાના આગમનને વધાવવા લોકો અને ખાશ કરીને ખેડૂતોમાં આતુરતા જણાય છે, ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકાના ઘણાં વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થતાં લોકોએ ચોમાસાની શરુઆત થઇ હોય એમ અનુભવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ચાલુ સાલે ઉનાળા દરમિયાન લોકોએ ભારે ગરમી અને ઉકળાટનો અનુભવ કર્યો હતો. ઉનાળા દરમિયાન તાપમાનનો પારો ઉંચો જતા ભારે ગરમીને લઇને તેની અસર સ્વાભાવિક રીતે જનજીવન પર જોવા મળી હતી. ત્યારે ચોમાસાને લગતી વિવિધ અટકળો અને આગાહીઓ વચ્ચે ઝઘડિયા તાલુકાના ઘણાં વિસ્તારોમાં આજે વરસાદના અમીછાંટણા થતાં લોકોએ ચોમાસું શરુ થયું હોય એમ અનુભવ્યું હતું. હવે ચોમાસુ ખેતીની શરુઆત થતાં ખેતરોમાં વિવિધ ખેતીકામોને વેગ મળશે. ખેતરો ખેડૂતો અને ખેતમજુરોની ચહલપહલથી હર્યાભર્યા લાગશે. ખેતરોમાં વિવિધ પાકોને લગતી વાવણી શરુ થશે. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં મુખ્યત્વે શેરડીનું વાવેતર વિપુલ પ્રમાણમાં થાય છે. ઉપરાંત કેળ,વિવિધ શાકભાજી,ફુલો તેમજ અનાજ કઠોળ ઉપરાંત કપાસ જેવા પાકો પણ યોગ્ય પ્રમાણમાં લેવાય છે. ચોમાસું શરુ થતાં તાલુકાના ઝઘડિયા ઉમલ્લા રાજપારડી જેવા બજાર વિસ્તાર ધરાવતા નગરોમાં ખેતી વિષયક વસ્તુઓના વેચાણમાં તેજી જોવા મળશે. ઉપરાંત કાચા મકાનો ઉપર ઢાંકવાની તાડપત્રીનું વેચાણ પણ ઠેરઠેર થતું દેખાશે.
ઝઘડિયા તાલુકામાં અમીછાંટણા–વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન
Advertisement