ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરમાંથી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તેમજ નર્મદા કાંઠા વિસ્તારના રૂંઢ ગામેથી આંકડાનો જુગાર ઝડપી લીધો હતો. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી પીએસઆઇ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતીકે રાજપારડીના માધુપુરા નવી નગરીમાં રહેતા પ્રકાશ પ્રેમચંદ વસાવાએ તેમના ફળિયામાં રહેતા અમિત ભુરાભાઇ વસાવાના ઘરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. પોલીસે મળેલ બાતમીના આધારે બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા સદર ઘરમાં અમિત ભુરાભાઇ વસાવા નામનો ઇસમ હાજર મળી આવ્યો હતો.પોલીસે ઘરમાં તપાસ કરતા ઘરમાંથી રુ.૧૨૦૦૦ ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રાજપારડી પોલીસ સ્ટેશનના અ.હે.કો.નિરંજન જેઠાભાઇએ હાજર મળી આવેલ અમિત ભુરાભાઇ વસાવા રહે.રાજપારડી તેમજ સ્થળ ઉપર હાજર નહિ મળેલ પ્રકાશ પ્રેમચંદ વિરુધ્ધ રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી, અને ઘટના સ્થળે હાજર નહિ મળેલ ઇસમને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.
જ્યારે બીજી ઘટનામાં રાજપારડી પોલીસ સ્ટેશનના અ.હે.કો.વિનોદભાઇ ચંદુભાઇએ પોલીસ સ્ટેશનમાં લખાવેલ ફરિયાદ મુજબ રૂંઢ ગામેથી રુ.દસહજાર રોકડા તેમજ આંકડા લખેલ નોટબુકો સાથે પોલીસે ભરત ભિખાભાઇ વસાવા તેમજ બુધાભાઇ ઉર્ફે સાગરભાઇ બચુભાઇ વસાવા બન્ને રહે.ગામ રૂંઢ, તા.ઝઘડિયા,જિ.ભરૂચનાને ઝડપી લીધા હતા. આ બન્ને ઇસમો વિરુધ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ