ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ મુખ્ય ધોરીમાર્ગ પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક સમસ્ત હિંદુ વસાવા સમાજના સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી શબરીમા સેવા સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલ આ સમુહ લગ્નના પ્રસંગમાં કુલ ૧૪ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.
આયોજિત સમુહ લગ્નોત્સવમાં ટ્રસ્ટના પ્રમુખ વર્ષાબેન વસાવા, ડો.અંજનાબેન વસાવા,ઉમેશભાઇ વસાવા,ભરૂચ જિલ્લા આદિજાતિ મોરચાના મંત્રી અને ઝઘડિયાના ઉપસરપંચ વિનોદભાઇ વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઇ વસાવા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઇ દેસાઇ, ભાજપા અગ્રણી રવજીભાઇ વસાવા, ભાજપા યુવા અગ્રણી દિનેશભાઇ વસાવા, ભાજપા અગ્રણી સંજયસિંહ ચૌહાણ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમુહ લગ્નમાં પરણનાર કન્યાઓને વિવિધ દાતાઓ તરફથી વિવિધ ઘર ઉપયોગી વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી. જેમાં રસોડાના સાધનો, તિજોરી કબાટ, પંખા,પલંગ જેવી વિવિધ ઘર ઉપયોગી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ આજના સમયે સમુહ લગ્નના કાર્યક્રમોની જરુર તેમજ મહત્વ દર્શાવીને સમુહ લગ્નોના પ્રસંગોના નિયમિત આયોજન થવા જોઇએ એવી વાત કરી હતી. પરણનાર યુગલોના વાલીઓએ સમુહ લગ્નનો પ્રસંગ સફળ રીતે આયોજવા બદલ આયોજકોને અભિનંદન આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઝઘડિયાના ઉપસરપંચ વિનોદભાઇ વસાવાએ કર્યુ હતું. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ઝઘડિયા મુકામે શ્રી શબરીમા સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વસાવા સમાજનો સમુહ લગ્નોત્સવ યોજાયો
Advertisement