ઝઘડિયા ખાતે ક્ષત્રિય કરણી સેનાએ આજરોજ ઝઘડિયા જીઆઇડીસી એસોસિયેશનને એક આવેદન આપીને તાલુકાના સ્થાનિક યુવાનો માટે રોજગારની તકો વિસ્તૃત બનાવવા માંગ કરી હતી. આવેદનમાં માંગ કરવામાં આવી હતી કે ઝઘડિયા જીઆઇડીસીમાં કામ કરતા સ્થાનિક કામદારોને સરકારી ધારાધોરણ મુજબ વેતન આપવામાં આવે. જીઆઇડીસીમાં કામ કરતા સ્થાનિકોને અસામાજિક તત્વો દ્વારા થતી હેરાનગતી બંધ કરવામાં આવે, તેમજ કોન્ટ્રાક્ટ બેજ પર કામ કરતા સ્થાનિક કામદારોને કંપનીમાં કાયમી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. જીઆઇડીસીમાં રોજગાર બાબતે સ્થાનિકોને અગ્રિમતા આપવામાં આવે તેમજ જીઆઇડીસીમાં જમીન ગુમાવનાર પરિવારોને પણ રોજગાર આપવામાં આવે તેવી પણ આવેદનમાં રજુઆત કરવામાં આવી હતી.
આવેદનમાં વધુમાં જણાવાયા મુજબ જો સ્થાનિકોને યોગ્યતાના ધોરણે રોજગારમાં અગ્રિમતા નહિ અપાય તેમજ આ માંગણીઓ સંતોષવા સંબંધે યોગ્ય પ્રત્યુત્તર નહિ અપાય તો તાલુકાના તમામ સમાજના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઇડીસીમાં સ્થાનિકોની સરખામણીએ પર પ્રાતિંયોને વધુ રોજગાર આપવાની ઉધોગ માલિકોની નિતીને લઇને ઘણાં સ્થાનિક યુવાનોને સ્થાનિક સ્તરે રોજગારથી વંચિત રહેવું પડે છે, ત્યારે ક્ષત્રિય કરણી સેના દ્વારા આ બાબતે જીઆઇડીસી એસોસિયેશનને આવેદન આપી તાલુકામાં સ્થાનિક સ્તરે રોજગારીની તકો વિસ્તારવા માંગ કરવામાં આવી હતી.આ પ્રસંગે ક્ષત્રિય કરણી સેના ભરૂચના પ્રમુખ કરણસિંહ પરમાર તેમજ અગ્રણીઓ જીતેન્દ્રસિંહ રાજાવત,કૃષ્ણદીપસિંહ રાઉલજી, શક્તિસિંહ જડોન, દિક્ષીતસિંહ,જીતેન્દ્રસિંહ ગેહલોત, ધૃપલ પટેલ, દિકેશ પટેલ,રાજેશ પટેલ, જયેશ સોલંકી,નીલું ભાઈ,ચંદુ વસાવા,દિલીપ પટેલ, દિગ્વિજયસિંહ તથા સર્વ સમાજના યુવાનોની ઉપસ્થિતિમાં આવેદન આપવામાં આવ્યુ હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ