ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વંઠેવાડ ગામે બે પરિવારો વચ્ચેનો ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચતા બન્ને પક્ષે થયેલ સામસામે ફરિયાદમાં ચાર મહિલાઓ સહિત કુલ ૨૦ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો. આ અંગે વંઠેવાડના જગદીશભાઇ બુધીયાભાઇ વસાવાએ ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગત તા.૯ મીએ રાતના દસ વાગ્યાના અરસામાં જગદીશભાઇના કાકાનો છોકરો સંદિપ તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો, તે વખતે ગામમાં રહેતા અરવિંદભાઇ નારસીંગભાઇ વસાવા તેમજ અન્ય પાંચ ઇસમો ત્યાં આવ્યા હતા અને સંદિપને ઝઘડો નહિ કરવા સમજાવેલ. ત્યારબાદ ગતરોજ તા.૧૦ મીએ સવારના સાડા દસ વાગ્યે જગદીશભાઇ ગામના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા, તે સમયે અરવિંદભાઇ તેમજ અન્ય ઇસમો ત્યાં બેઠેલા હતા.અરવિંદભાઇ જગદીશભાઇને જોઇને ગાળો બોલવા લાગ્યા હતા અને કહેતા હતા કે ગઇકાલે રાત્રે અમારે ઝઘડો થયો હતો તેમાં તમે વચ્ચે કેમ પડ્યા હતા. અરવિંદભાઇ અને તેમની સાથેના માણસોએ જગદીશભાઇ સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં જગદીશભાઇને માર માર્યો હતો. તેમજ છોડાવવા વચ્ચે પડેલ સુરજભાઇ સન્મુખભાઇ વસાવાને માથામાં પત્થર વાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા.ઇજાગ્રસ્ત ઇસમોને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા.આ સંદર્ભે ઝઘડિયા પોલીસમાં અરવિંદ નારસીંગ વસાવા, નિલ્સન નટુ વસાવા, ચેતન નટુ વસાવા, કેસુર નટુ વસાવા, રસીક બાબુ વસાવા, જીગ્નેશ બાબુ વસાવા તેમજ મયુર અરવિંદ વસાવા તમામ રહે.ગામ વંઠેવાડ તા.ઝઘડિયાના વિરુધ્ધ ગુનો નોંધાયો હતો.જ્યારે સામા પક્ષે અરવિંદભાઇ નારસીંગભાઇ વસાવા રહે.વંઠેવાડનાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતીકે તેઓ મંદિરે બેઠા હતા ત્યારે સામાવાળાઓ ગેરકાયદેસર મંડળી બનાવીને ત્યાં આવ્યા હતા અને ગઇકાલે રાત્રે સંદિપને કેમ મારતા હતા એમ કહીને ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં અરવિંદભાઇ, તેમની પત્ની તેમજ તેમના ભાણેજ જીગ્નેશને ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને અવિધા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર અપાયા બાદ અરવિંદભાઇને વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસમાં જગદીશ બુધીયા વસાવા, ભાર્ગવ જગદીશ વસાવા, હિમાન્શુ જગદીશ વસાવા, રાજન ફતેસિંગ વસાવા, ચતુરભાઇ વસાવા, દિવ્યેશ રણજિત વસાવા, આકાશ અજીત વસાવા, સેહવાગ વિજય વસાવા, સુરજ સન્મુખ વસાવા, ઉર્મિલાબેન જગદીશ વસાવા, ચંપાબેન બુધીયા વસાવા, આશાબેન મુકેશ વસાવા તેમજ પુષ્પાબેન ચતુર વસાવા તમામ રહે.ગામ વંઠેવાડ તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરુધ્ધ ગુનો નોંધાયો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી તા.ઝઘડિયા જિ.ભરૂચ