ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વેલુગામ ગામે ભત્રીજાએ ધારીયું મારી કાકાને ઇજા પહોંચાડી હોવાની ઘટના બનવા પામી હતી.
આ અંગે ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના વેલુગામ ગામે રહેતા કાલિદાસ ઉર્ફે કાભાઇ ડાહ્યાભાઈ માછીના પાડોશમાં તેમના ભાઇનું પરિવાર રહે છે. ગતરોજ તા.૧૦ મીના રોજ કાલિદાસભાઇ સવારના ઉઠીને ઘરની પાછળ આવેલ બાથરૂમની ચોકડીમાં બ્રસ કરવા ગયા હતા. તે વખતે તેમની પાડોશમાં રહેતો તેમનો ભત્રીજો કમલેશ કંચનભાઇ માછી ત્યાં આવ્યો હતો અને કાલિદાસભાઇને કહેતો હતોકે હું જ્યારે મારા મમ્મી પપ્પા સાથે ઝઘડો કરુ છુ ત્યારે તુ કેમ મને ઠપકો આપવા આવી જાય છે. આમ કહીને તેણે ઉશ્કેરાઇ જઇને તેના હાથમાં રહેલા લોખંડના હાથાવાળા ધારીયાનો આગળનો ધારવાળો ભાગ કાલિદાસભાઇને મોંઢાના ડાબા ગાલ પર મારી દીધો હતો. અને કહ્યું હતુકે હવે પછી જો મને ઠપકો આપવા આવીશ તો જાનથી મારી નાંખીશ. આ હુમલામાં કાલિદાસભાઇને મોંઢાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી, તેમજ ત્રણ દાંત પડી ગયા હતા.ઇજાગ્રસ્ત કાલિદાસભાઇને તરત ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયા હતા.ત્યારબાદ રાજપિપલા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા બાદ ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. આ બાબતે ઇજાગ્રસ્ત ઇસમ કાલિદાસભાઇની પત્ની પુષ્પાબેન કાલિદાસ માછી રહે.ગામ વેલુગામ તા.ઝઘડિયા જિ.ભરૂચનાએ તેમના પતિને ધારીયું મારી ઇજાગ્રસ્ત કરનાર ભત્રીજા કમલેશ કંચનભાઇ માછી રહે.ગામ વેલુગામ તા.ઝઘડિયાના વિરુધ્ધ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી તા.ઝઘડિયા જિ.ભરૂચ