ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા પાટિયા નજીક એક ટ્રેકટર ચાલકે એક મોટરસાયકલને અડફેટમાં લેતા મોટરસાયકલ સવાર બે મહિલાઓ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઇ હતી. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના જાંબોઇ ગામે રહેતો સંજયભાઇ હરિભાઇ વસાવા નામનો યુવાન ગતરોજ સવારના સાડા દસ વાગ્યાના અરસામાં મોટરસાયકલ લઇને મહુડીખાંચ ગામે તેના લગ્ન માટે છોકરી જોવા જતો હતો. તેની સાથે મોટરસાયકલ પર તેની બહેન તેમજ ફળિયાની એક અન્ય મહિલા પર મોટરસાયકલ પર બેસીને તેની સાથે જઇ રહ્યા હતા. આ લોકો ત્રણ સવારી મોટરસાયકલ પર જઇ રહ્યા હતા, ત્યારે રાયસીંગપુરા ગામના પાટિયાથી થોડે દુર પાછળ આવી રહેલ એક ટ્રેકટરના ચાલકે તેના ટ્રેકટરનું ફાળકુ આ મોટરસાયકલ સાથે અથાડતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક સંજય તેમજ તેની સાથેની બન્ને મહિલાઓને શરીરના વિવિધ ભાગોએ ઇજાઓ થઇ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક માણસો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માત બાદ ટ્રેકટર ચાલક તેનું ટ્રેકટર સ્થળ ઉપર મુકીને નાશી છુટ્યો હતો.આ અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિઓને રાજપિપલા અને ત્યારબાદ ભરૂચ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. અકસ્માતની આ ઘટના બાબતે સંજયભાઇ હરિભાઇ વસાવા રહે.નાની જાંબોઇ તા.ઝઘડિયા જિ.ભરૂચનાએ અકસ્માત કરી નાશી ગયેલ ટ્રેકટર ચાલક વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ટ્રકટર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ