ભરૂચ જિલ્લાના ઝઘડિયાની જીઆઇડીસી માં ભંગારનો ધંધો કરતા એક ઇસમ પાસે મહિને રુ.પચાસ હજારનો હપ્તો માંગી ચાર ઇસમોએ માર મારી લુંટી લીધો હોવાની ઘટના બનવા પામી હતી. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મુળ ઉત્તરપ્રદેશનો રહીશ અને હાલ અંકલેશ્વર ખાતે રહેતો રામશરણ કેશરીપ્રસાદ નામનો ઇસમ ઝઘડિયા જીઆઇડીસી ખાતે ભંગારનો ધંધો કરે છે. ગતરોજ સવારના સાડા નવ વાગ્યે રામશરણ તેની ગાડી લઇને ઝઘડિયા જીઆઇડીસીની એક કંપની ખાતે આવ્યો હતો.તે વખતે ધારોલી ગામનો રણજીત મગન વસાવા ત્યાં આવ્યો હતો અને રામશરણને કહ્યુ હતુ કે તારે અહિંયા ધંધો કરવો હશેતો મહિને રુ.પચાસ હજારનો હપ્તો આપવો પડશે. રામશરણે જણાવેલ કે હું આટલા બધા રુપિયા કમાતો નથી તો તને પૈસા કેવી રીતે આપુ? તે સમયે મોટરસાયકલ પર બે અજાણ્યા ઇસમો આવ્યા હતા, તેમજ રણજીતની સાથે તેની ફોર વ્હિલમાં બીજો પણ એક અજાણ્યો માણસ હતો.આ લોકોએ રામશરણને પકડી રાખ્યો હતો અને રણજીત ગાડીમાંથી લાકડીનો દંડો કાઢી લાવ્યો હતો. તેણે રામશરણને ઉપરાછાપરી લાકડીના સપાટા માર્યા હતા. અને રામશરણના પેન્ટના ખિસ્સામાંથી રોકડા રુપિયા તેમજ એપલ કંપનીનો મોબાઇલ અને પાનકાર્ડ આધારકાર્ડ વિગેરે કાઢી લીધા હતા. ત્યારબાદ આ લોકો ત્યાંથી જતા રહ્યા હતા. ઘટના સંદર્ભે રામશરણ યાદવે તેની પાસેથી કુલ રુપિયા ૧૪૪૦૦૦ નો મુદ્દામાલ લઇ લેનાર રણજીત મગન વસાવા રહે.ધારોલી તા.ઝઘડિયાના તેમજ અન્ય ત્રણ અજાણ્યા ઇસમો મળી કુલ ચાર સામે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ