ઝઘડિયા તાલુકાના વેલુગામ, ઉમલ્લા, અશા, પાણેથાના મુખ્ય માર્ગ પણ ઓવરલોડ વાહનો નહીં ચલાવવા માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જાહેરનામું બહાર પાડ્યા બાદ જવાબદાર વહીવટી તંત્ર દ્વારા તેનો અમલ કરાવવામાં આવતો નથી, જેના કારણે પાણેથા ગ્રામ પંચાયત દ્વારા વેલુગામ, ઉમલ્લા, અશા, પાણેથાના મુખ્ય જીલ્લા માર્ગના ડામર રોડ અંગેના જાહેરનામાનું પાલન કરાવવા માટે જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી, સાંસદ, ધારાસભ્ય તથા મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે.
રજુઆતમાં જણાવાયુ હતુ કે છેલ્લા કેટલાક સમયથી વારંવાર લેખિત તથા મૌખિક રજુઆતો કરવા છતાં રેતીના વાહનો ઓવરલોડ જથ્થો અને ભીની રેતી ભરીને રાત દિવસ ચાલુ છે. કાયદેસર રીતે જાહેરનામાનુ પાલન થાય તે મુજબ આ વાહનો ચાલે તો કોઈ વાંધો નથી , જેવી રજૂઆતો ઉમલ્લા પોલીસ, આરટીઓ, ખાણ ખનીજ વિભાગને કરવા છતાં પરિણામ મળતું નથી . રજુઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો હતોકે પોલીસ અને ખાણ ખનીજ અધિકારીઓના મેળાપીપણામાં લીઝ માલિકો અને વાહનોના માલિકો દ્વારા ગેરકાયદેસર લાખો ટન રેતીની ચોરી થાય છે, જેના કારણે સરકારની આવકમાં ઘટાડો થાય છે અને પાણેથા વિભાગનો ડામર રોડ એકાદ બે વર્ષમાં તૂટીને બદતર હાલતમાં થઈ જવાની સંભાવના છે. અગાઉ ૧૨ થી ૧૫ વર્ષ આ વિસ્તારના લોકોને વ્યવસ્થિત ડામર રોડના અભાવે શિક્ષણ, આરોગ્ય, ખેતીના પકવેલ માલની અવરજવર કરવા ઘણી મુશ્કેલી પડી હતી જે પરિસ્થિતિ ફરી ન બને અને તે વિસ્તારનો ડામર રોડ ટકી રહે તે માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઉમલ્લા અને ખાણ ખનીજ અધિકારી જાહેરનામાનું પાલન કડક રીતે કરાવે તેવી રજૂઆત કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમય સુધીમાં જાહેરનામાનું પાલન નહીં થાય તો તેમને ના છૂટકે ઓવરલોડ ગાડી ના નંબર લોકેશન સાથેનો ફોટો પાડી પુરાવા તરીકે રાખી જે તે ટ્રકની હવા કાઢી નાખીશું,અને તે અંગે તેમને કંઈ થશે તેની જવાબદારી તમામ અધિકારીઓની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ