આજે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનના જન્મોત્સવને લઇ સમગ્ર ઝઘડિયા તાલુકામાં રામ જન્મોત્સવની વિવિધ સ્થળો પર ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયાના સુપ્રસિદ્ધ હનુમાનજી ગુમાનદેવ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનનું આયોજન થયું હતું. આ ઉપરાંત ઝઘડિયા ગામમાં શિવ આરાધના ગ્રુપ દ્વારા ઝઘડિયા મઢીથી ભગવાન શ્રીરામની વિશાળ છબી સાથે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ઝઘડિયા મઢીથી પ્રસ્થાન કરી ઝઘડિયા ટાઉન, ચાર રસ્તા, સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર થઇને રતનપુર ગામ થઈ ત્યાંના હનુમાનજી મંદિર ખાતે પહોંચી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં જય શ્રી રામ, જય શ્રી રામના નારાથી સમગ્ર વિસ્તાર આજે ગુંજી ઉઠ્યો હતો. આ ઉપરાંત રાણીપુરા ગામના યુવાનો દ્વારા ત્રણ દિવસ ભગવાન શ્રીરામની આરાધના કરી ગતરોજ રાત્રે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આજરોજ રાણીપુરા ગામમાં શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. તાલુકાના રાજપારડી, ઉમલ્લા, પાણેથા, ભાલોદ વિ.ગામોએ રામ નવમીને લઇને શોભાયાત્રા નીકળી હતી, જે ભાલોદ રાજપારડી થઈ ખોડીયા હનુમાનજી મંદિર ખાતે પહોંચી હતી. ઉપરાંત નર્મદા કાંઠા વિસ્તારના આશ્રમોમાં રામનવમીની શ્રદ્ધાસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ