ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામે પત્નિના આગલા પતિ તેમજ તેના પુત્રએ પત્નિએ ફરી લગ્ન કરેલ ઇસમને માર માર્યો હોવાનો બનાવ બનવા પામ્યો હતો.
આ અંગે ઉમલ્લા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામની એક યુવતી મીનાબેનના લગ્ન રાજપારડીના મનસુખભાઇ વસાવા નામના ઇસમ સાથે થયા હતા. ત્યારબાદ કોઇ કારણોસર બન્નેના છુટાછેડા થયા હતા. પતિ સાથે છુટાછેડા થયા બાદ મીનાબેને મુળ રહેવાસી ચોટીલાના અને હાલ અમદાવાદ જિલ્લાના માંડણ ગામે રહેતા ખોડુભાઇ મેરમભાઇ કાઠી નામના ઇસમ સાથે લગ્ન કર્યા હતા. મીનાબેનના આગલા ઘરવાળાનો છોકરો અજય હાલમાં હરિપુરા ગામે તેના દાદાદાદી સાથે રહેતો હતો. દરમિયાન ગત તા.૨૩ મીના રોજ મીનાબેન તેના પિયર હરિપુરા ગામે આવી હતી. ત્યારબાદ તા.૨૯ મીએ આઠમું નોરતુ હોવાથી ખોડુભાઇ હરિપુરા તેમની પત્નિ પાસે આવ્યા હતા. તે દરમિયાન બપોરના અઢી વાગ્યાના અરસામાં મીનાબેનનો આગલો પતિ મનસુખભાઇ વસાવા અને આગલા પતિનો પુત્ર અજય વસાવા ત્યાં આવ્યા હતા. આ બન્નેવ જણા મીનાબેને બીજા લગ્ન કરેલ હોઇ, તેની રીસ રાખીને ખોડુભાઇને લાકડી વડે માર મારવા લાગ્યા હતા. ખોડુભાઇ આ હુમલાથી ઇજાગ્રસ્ત થતા ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. આ બાબતે ખોડુભાઇ મેરમભાઇ કાઠીએ તેમને માર મારનાર પત્નિના આગલા ઘરવાળા મનસુખભાઇ વસાવા રહે.રાજપારડી તા.ઝઘડિયા તેમજ તેના પુત્ર અજયભાઇ મનસુખભાઇ વસાવા રહે.ગામ હરિપુરા તા.ઝઘડિયાના વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ