ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરના એક મકાનમાં રાત્રી ચોરો હાથફેરો કરી જવાની ઘટના બનવા પામી છે. ચોરીના આ બનાવમાં રોકડા રુપિયા તેમજ સોનાના દાગીના મળી કુલ રુ.૬૯૨૫૦૦ નો મુદ્દામાલ તસ્કરો ઉઠાવી ગયા હતા. ચોરીની આ ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર મુળ રાજસ્થાનના રહીશ અને હાલ ઝઘડિયા નગરના ગોકુલ નગર ખાતે ભાડાના મકાનમાં રહેતા યોગેશ સત્યનારાયણ શર્મા ઝઘડિયા જીઆઇડીસીની એક કંપનીમાં નોકરી કરે છે.ગત તા.૧૯ મીના રોજ નોકરી પરથી દસ દિવસની રજા લઇને તેઓ કોઇ કામ માટે વતન રાજસ્થાન ગયા હતા. દરમિયાન ગતરોજ તા.૨૫ મીએ તેમના મકાન માલિકના પુત્રએ ફોન કરીને જણાવ્યું હતુંકે તમારા ઘરનું તાળું તુટેલું છે. આ સાંભળીને યોગેશભાઇ ઝઘડિયા આવ્યા હતા. ઘરમાં તપાસ કરતા ઘરમાં સામાન વેરવિખેર પડેલો જણાયો હતો. તપાસ કરતા બેગમાં કપડાની વચ્ચે રાખેલ સોનાચાંદીના વિવિધ દાગીના જણાયા નહતા. કોઇ અજાણ્યા તસ્કરો રોકડા રુપિયા ૩૦૦૦, સોનાચાંદીના ઘરેણા તેમજ અન્ય વસ્તુઓ મળીને કુલ રુ.૬૯૨૫૦૦ ના મુદ્દામાલની ચોરી ગયા હોવાની ખાતરી થઇ હતી. ચોરીની આ ઘટના સંદર્ભે યોગેશ સત્યનારાયણ શર્માએ ઝઘડિયા પોલીસમાં અજાણ્યા ચોર વિરુધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ