ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વેલુગામ નજીક નર્મદા નદીના ઉંડા પાણીમાં પડી જતા એક યુવક લાપતા થયો હતો. આ લખાય છે ત્યાં સુધી નદીમાં લાપતા થયેલ આ યુવકનો કોઇ પત્તો મળ્યો નથી.
ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મુળ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જીરવલ ગામનો રહીશ અને હાલ ઝઘડિયા તાલુકાના વેલુગામ ગામે રહેતો કેતન માંદુભાઇ વાઘાત નામનો ૨૯ વર્ષીય યુવક વેલુગામથી નારેશ્વર ગામ તરફ જવાના નર્મદા નદીના ઘાટ પાસે આવેલ એક રેતીની લીઝમાં નાવડી અને પાઇપો વડે પાણીમાંથી રેતી કાઢવાનું કામ કરતો હતો. આ યુવક ગત તા.૧૬ મીના રોજ રેતી કાઢવાની કામગીરી દરમિયાન નદીના પાણીમાં લગાડેલ લોખંડની પાઇપ ઉપર ચાલી રહ્યો હતો, ત્યારે અચાનક તેનો પગ લપસી જતા તે નદીના ઉંડા પાણીમાં પડ્યો હતો. નદીમાં પડેલ યુવક ઉંડા પાણીમાં લાપતા થતા તેની શોધખોળ કરવા છતાં તેની કોઇ ભાળ મળી નહતી. યુવક નદીમાં પડીને લાપતા થવા બાબતે ઉમલ્લા પોલીસમાં જાણ કરાતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પાણેથા આઉટ પોસ્ટના જમાદાર શ્રવણભાઇનો ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે પોલીસે નદીમાં લાપતા થયેલ યુવકને શોધવા અંકલેશ્વર અને ઝઘડિયાથી ફાયર ફાઇટરોને બોલાવીને તેમની મદદથી લાપતા યુવકની શોધ આરંભી હતી, પરંતું હજી તેની કોઇ ભાળ મળી નહતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ