ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ઝઘડિયા તરફ જવાના માર્ગ પર ભુંડવા ખાડી પર નવા બનેલ પુલ નજીક આજે એક કાર નીચે પડી જવા પામી હતી. વિગતો મુજબ ઝઘડિયા તરફથી આવી રહેલ એક કાર ભુંડવા ખાડીના નવા બનાવેલ પુલના રસ્તા પરથી પસાર થઇ રહી હતી ત્યારે એકાએક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની દિવાલ ઓળંગીને જુના રોડ પર પડી હતી. આ ઘટનામાં સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ નહતી. ઉલ્લેખનીય છેકે ભુંડવા ખાડીનો જુનો પુલ ખુબ નીચો હોવાથી ચોમાસામાં પુલ પરથી પાણી જતું હોવાનું ઘણીવાર બનતું હોય છે.
આ ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી અંતર્ગત જુના પુલની બાજુમાં નવો પુલ બનાવાઇ રહ્યો છે. નવો પુલ જુના પુલ કરતા પ્રમાણમાં ખાસો એવો ઉંચો બનાવાયો છે. જેથી પુલની બન્ને તરફ રોડ ઢાળવાળો બન્યો છે. રોડ ઢાળવાળો બનતા બન્ને તરફ વોલ બનાવીને રેલિંગ બનાવાઇ છે. દરમિયાન આજરોજ નવા પુલ પર જવાના માર્ગ પરથી પસાર થતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર નવા પુલના રસ્તા પરથી જુના માર્ગ પર પડી હતી. જોકે સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ નથી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ