ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી આગળ સારસા ગામ પાસે આવેલ ઉમધરા ફાટક પાસેનો માર્ગ અકસ્માત ઝોન જાહેર કરાયો હતો. વિગતો મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામ નજીક આવેલ ઉમધરા જવાનો માર્ગ ધોરીમાર્ગ સાથે જોડાય છે. આ માર્ગ ધોરીમાર્ગને અડીને આવેલ રેલ્વે ગરનાળામાંથી પસાર થાય છે. ગરનાળામાંથી બહાર નીકળે તોજ રોડ પર જતા આવતા વાહન નજરે પડે છે. આ ત્રણ રસ્તા નજીક ભુતકાળમાં ઘણાં જીવલેણ અકસ્માત થયા છે.
વધુમાં મળતી વિગતો મુજબ આ સ્થળ પાસેનો માર્ગ અકસ્માત ઝોન જાહેર કરી ચેતવણી દર્શાવતું બોર્ડ તંત્ર દ્વારા લગાવવામાં આવ્યું છે. આ સ્થળે ઘણા નાના મોટા અકસ્માતો ભૂતકાળમાં સર્જાયા હતા, તે પૈકી કેટલાક અકસ્માતો જીવલેણ પણ બન્યા હતા. જેથી તંત્ર દ્વારા આ માર્ગને અકસ્માત ઝોન જાહેર કરી ચેતવણી દર્શાવતું સાઈન બોર્ડ લગાવવામાં આવ્યું છે. આ માર્ગ ઉપર ગતિ અવરોધકો બનાવવામાં આવે તેવી પણ લોક લાગણી જાણવા મળી છે. ઉલ્લેખનીય છે કે સારસા ગામ નજીકથી પસાર થતો સરદાર પ્રતિમા ધોરીમાર્ગ ચોવીસ કલાક વાહનોની રફતારથી જીવંત રહે છે. સારસા ગામના બસ સ્ટેન્ડ નજીક પણ સ્પિડ બ્રેકરોની જરુર છે, કારણકે આ સ્થળે રોડની બન્ને તરફ ગામની વસતિ વસેલી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ