ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ખીસ્સા કાતરૂ ટોળકી સક્રિય થઇ છે. ધાર્મિક સ્થાનો ઉપરાંત ચાલુ વાહને ખીસ્સા કાતરી મોબાઈલ તથા પર્સ ચોરી જવાની ઘટનાઓ બનવા પામી છે. ગતરોજ ઝઘડિયા તથા રાજપારડી પોલીસ મથકમાં આવી ઘટનાઓ બાબતે ત્રણ ફરિયાદો નોંધાઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ વડોદરા ખાતે રહેતા દાસન પરમેશ્વર નાયર ઝઘડિયા જીઆઇડીસીમાં કામ અર્થે આવ્યા હતા, તેમનું કામ પતાવી તેઓ પાછા ફરતા હતા ત્યારે નાના સાંજા ચોકડીથી ઝાડેશ્વરની રિક્ષામાં બેઠા હતા, રીક્ષા ચાલકે ઝાડેશ્વર જવાનું ના કહી તેમને અધવચ્ચે ગોવાલી ખાતે ઉતારી દીધા હતા, દાસન પરમેશ્વરે રિક્ષામાંથી ઉતરી ગયા બાદ તેનું પર્સ તથા મોબાઈલ ચેક કરતા તે મળી આવ્યા ન હતા અને તે રિક્ષામાં જ ચોરી થયા હોવાનું તેને જણાયુ હતું, ચોરી થયેલ મોબાઈલ તથા પર્સમાં રાખેલ એટીએમ કાર્ડ તથા બાઇકની આરસીબુકની ઉઠાંતરી થઇ હતી. જેથી તેણે ઈ-એફઆઈઆર કરી ફરિયાદ લખાવી હતી.
બીજી ઘટનામાં ઝઘડિયા ખાતે રહેતા મીનાબેન શાહ તેમના પરિવાર સાથે ગુમાનદેવ દર્શનાર્થે ગયા હતા, દર્શન કરી તેઓ ઘરે જવા નીકળતા હતા તે વખતે તેમણે તેનું પર્સ ખોલી જોતા પર્સમાં મુકેલ તેમનો મોબાઇલ મળી આવ્યો ન હતો, જેથી તેમણે તેમના મોબાઈલ પર ફોન કરતા મોબાઈલ ના બંને સીમ ચાલુ હતા પરંતુ કોઈ ઉપાડતું ન હતું જેથી તેમનો મોબાઇલ ચોરાયો હોવાની ઈ-એફઆઈઆર કરી હતી.
જ્યારે ત્રીજી ઘટનામાં બંબુસર ખાતે રહેતા સલમાનભાઈ મુસાભાઇ બાપુ તેમની પત્ની સાથે બાવાગોર દરગાહ ખાતે દર્શન કરવા માટે આવ્યા હતા, તેમણે તેમનો મોબાઈલ તેમના ઉપરના ખીસ્સામાં મૂક્યો હતો, તેઓ દરગાહ પરથી દર્શન કરી બહાર નીકળ્યા ત્યારે તેમના ખીસ્સામાં હાથ નાખતા તેમના ખીસ્સામાં રાખેલ તેમનો મોબાઇલ મળી આવ્યો ન હતો, જેથી તેમણે આજુબાજુ તેની શોધખોળ કરેલી પરંતુ મોબાઇલ મળી આવેલ નહીં, જેથી તેમણે અજાણ્યા ઈસમ વિરુદ્ધ તેમનો મોબાઇલ ચોરી કરાયો હોવા બાબતે રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ