ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લાના જુના ફળિયા ખાતે રહેતા સતિષભાઈ વસાવાની માતા સીમાબેન તેમના ફળિયામાંથી પસાર થતા હતા ત્યારે ઉમલ્લાના બજાર તરફથી આવતી અને પાણેથા તરફ જતી એક ટ્રકના ચાલકે સીમાબેનને અડફેટમાં લીધા હતા. ત્યારબાદ રોડની બાજુમાં આવેલ સરકારી આવાસ યોજનાના એક રહેણાંક મકાનની દિવાલ સાથે ટ્રક અથાડી દેતા દિવાલ તુટી ગઇ હતી. આ અકસ્માતમાં સીમાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, તેમજ તેઓ બેભાન થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત સીમાબેનને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મરણ પામેલ જાહેર કર્યા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક તેની ટ્રક ઉમલ્લાથી આગળ વડીયા તળાવ ખાતે મૂકીને નાશી ગયો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભે સતિષભાઈ ત્રિભોવનભાઈ વસાવાએ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ