ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તવડી ગામે વાડામાં મરઘા ચરાવવાની બાબતે થયેલ ઝઘડામાં એક ઇસમને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી અપાતા ગામની જ ત્રણ મહિલાઓ સહિત કુલ છ વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.
ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના તવડી ગામે રહેતા પ્રવિણભાઇ છોટુભાઈ વસાવા અને તેમના પરિવારના સભ્યો ગત તા.૪ થીના રોજ ઘરે હાજર હતા,તે દરમિયાન ફળિયામાં રહેતા ભુપેન્દ્રભાઇ જાલમભાઇ વસાવા, મંગીબેન ભુપેન્દ્રભાઇ વસાવા, અન્નુબેન ભુપેન્દ્રભાઇ વસાવા તેમજ જાલમભાઇ પુનિયાભાઇ વસાવા ત્યાં આવ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. ભુપેન્દ્રભાઇના હાથમાં ધારીયું હતું. ભુપેન્દ્રભાઇ કહેવા લાગ્યા હતાકે તમારા મરઘા અમારા વાડામાં કેમ ચરાવો છો? અન્ય ઇસમોએ તેમના ઘર પર છુટા પથ્થરોનો મારો કર્યો હતો. તે સમયે ભુપેન્દ્રભાઇએ તેના હાથમાંના ધારીયાનો હાથાનો ભાગ પ્રવિણભાઇના બરડા પર મારી દીધો હતો.ત્યારબાદ તેમણે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. એ લોકોના ગયા પછી થોડીવારમાં ભુપેન્દ્રભાઇનો છોકરો કૌશિકભાઇ અને છોકરી કોમલબેન ત્યાં આવ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. અને કહેતા હતાકે આજેતો તું બચી ગયો છે પણ હવે પછી તને જીવતો નહિ જવા દઇએ. ઇજાગ્રસ્ત પ્રવિણભાઇને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયા હતા. આ બાબતે પ્રવિણભાઇ છોટુભાઈ વસાવા રહે.તવડી તા.ઝઘડિયાનાએ તેમને જાનથી મારી નાંખવાની ધમકી અપાતા ઉપરોક્ત ગામની જ છ વ્યક્તિઓ સામે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ